Smriti Mandhana Record : ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે 50 બોલમાં સદી ફટકારી હતી અને ભારતીય વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્લેયર બની હતી. પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં આ રેકોર્ડ છે. તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.
વિરાટ કોહલીએ 12 વર્ષ પહેલા એટલે કે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય વન ડે ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે હવે સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સ્મૃતિ મંધાનાએ કોહલીને પાછળ રાખ્યો
અત્યાર સુધી વિરાટ કોહલી ભારત તરફથી વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો પ્લેયર હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 52 બોલમાં જ આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 50 બોલમાં સદી ફટકારીને કોહલીને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં ત્રીજા ક્રમે વિરેન્દ્ર સહેવાગ છે, જેણે ન્યૂઝીલેન્ડ સામે 62 બોલમાં ભારત માટે સદી ફટકારી હતી.
વન-ડેમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી
- 50 બોલ – સ્મૃતિ મંધાના વિ ઓસ્ટ્રેલિયા
- 52 બોલ – વિરાટ કોહલી વિ ઓસ્ટ્રેલિયા
- 60 બોલ – વિરેન્દ્ર સહેવાગ વિ ન્યૂઝીલેન્ડ
- 61 બોલ – વિરાટ કોહલી વિ ઓસ્ટ્રેલિયા
મંધાનાએ ટેમી બ્યુમોન્ટને પાછળ રાખી
સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે 63 બોલમાં 125 રન બનાવ્યા હતા. જેમાં 5 સિક્સર અને 17 ચોગ્ગા ફટકાર્યા હતા. વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં તે હવે સુજી બેટ્સ સાથે સંયુક્તપણે બીજા ક્રમે આવી ગઇ છે. તેણે ટેમી બ્યુમોન્ટને પાછળ છોડી દીધી છે.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય મહિલા ટીમ પિંક જર્સીમાં જોવા મળી, જાણો કારણ
મહિલા વન-ડેમાં સૌથી વધુ સદી
- 15 – મેગ લેનિંગ
- 13 – સુજી બેટ્સ
- 13 – સ્મૃતિ મંધાના
- 12 – ટેમી બ્યુમોન્ટ
મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી
- 17 – મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
- 16 – સ્મૃતિ મંધાના (ભારત)
- 14 – સુજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ)
- 14 – ટેમી બ્યુમોન્ટ (ઇંગ્લેન્ડ)
- 13 – શાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ)
- 12 – ચમારી અથાપથુ (શ્રીલંકા)
- 12 – હેલી મેથ્યુઝ (વેસ્ટ ઇન્ડિઝ)
- 12 – ક્લિયરી ટેલર (ઇંગ્લેન્ડ)





