India Women vs New Zealand Women 3rd 0DI : હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે 3 મેચની સિરીઝની છેલ્લી વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ વન ડેમાં વિજય મેળવ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડે બીજી વન ડેમાં ધમાકેદાર પુનરાગમન કરતાં શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી લીધી હતી. ત્રીજી વન-ડે ભારતે જીત શ્રેણી પોતાના નામે કરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ઈનિંગ 49.5 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની સદી (100) અને હરમનપ્રીત કૌરની (59)અણનમ અડધી સદીની મદદથી 44.2 ઓવરમાં 4 વિકેટે 236 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાનાએ 122 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. આ તેની 8મી વનડે આંતરરાષ્ટ્રીય સદી છે. આ સાથે જ તે ભારત માટે સૌથી વધારે (8 સદી) વન ડે સદી ફટકારનાર મહિલા પ્લેયર બની છે. તેણે મિતાલી રાજને પછાડી છે. મિતાલીના નામે 7 વન-ડે સદી છે. સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો – ઘરઆંગણે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય, કોહલી છે નંબર 1, જાણો કયા સ્થાને છે રોહિત શર્મા
હરમનપ્રીત કૌર 63 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 59 રન બનાવી અણનમ રહી હતી. યાસ્તિકા ભાટિયા 49 બોલમાં 35 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જેમીમા રોડ્રિગ્સે 18 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રનની તોફાની ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ માટે હેન્ના રોવેએ બે, જ્યારે સોફી ડેવિન અને ફ્રાન જોનાસે એક-એક વિકેટ ઝડપી હતી.
દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી
આ પહેલા ન્યૂઝીલેન્ડ તરફથી બ્રૂક હોલીડેએ 86 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે જ્યોર્જિયા પ્લીમરે 39, ઇસાબેલા ગેજે 25, લીઆ તાહુહુ 14 બોલમાં 24 રને અણનમ રહી હતી. ભારત માટે દીપ્તિ શર્માએ 10 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 20 વર્ષની પ્રિયા મિશ્રાએ 10 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રેણુકા ઠાકુર સિંહ અને સાયમા ઠાકોર એક-એક વિકેટ ઝડપી હતી.