જ્યારે મેલબોર્નમાં પ્રથમ વખત મૌન ઉભી હતી ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ, પ્રવાસ રદ કરવા માંગતી હતી ટીમ ઇન્ડિયા

IND vs AUS Test : આઝાદી બાદ ભારતે જ્યારે પહેલી વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો હતો, ત્યારે તેમને શ્રેણીની અધવચ્ચે જ એવા સમાચાર મળ્યા હતા કે જેના કારણે ખેલાડીઓના દિલ તૂટી ગયા હતા

Written by Ashish Goyal
November 18, 2024 16:17 IST
જ્યારે મેલબોર્નમાં પ્રથમ વખત મૌન ઉભી હતી ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ, પ્રવાસ રદ કરવા માંગતી હતી ટીમ ઇન્ડિયા
IND vs AUS Test : ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ ઈતિહાસ ઘણો જૂનો છે (તસવૂર - જનસત્તા)

IND vs AUS Test : ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ ઈતિહાસ ઘણો જૂનો છે. ભારત આઝાદી પહેલાથી જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમતું આવ્યું છે. આઝાદી બાદ ભારતે જ્યારે પહેલી વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો હતો, ત્યારે તેમને શ્રેણીની અધવચ્ચે જ એવા સમાચાર મળ્યા હતા કે જેના કારણે ખેલાડીઓના દિલ તૂટી ગયા હતા.

આ સમાચારની ભારતીય ટીમ પર એવી અસર પડી હતી જે પછી તે આ પ્રવાસને રદ કરવા ઈચ્છતી હતી. આ પ્રવાસ રદ કરવામાં આવ્યો ન હતો પણ મેલબોર્નમાં પહેલી વખત કોઈ ભારતીય માટે બે ટીમો મૌન ધારણ કરીને ઉભી રહી હતી. જોકે આ કોઇ ભારતીય ક્રિકેટર ન હતો.

1947-48નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

ભારત 1947-48ના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. બ્રિસબેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. આ પછી સિડનીમાં રમાયેલી ટેસ્ટ ડ્રો થઈ હતી. ત્રીજી અને ચોથી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી. એડીલેડ ટેસ્ટ 28 જાન્યુઆરીએ સમાપ્ત થઈ હતી.

મહાત્મા ગાંધીની હત્યાએ ભારતીયોના દિલ તોડી નાખ્યા

આ પછી 30 જાન્યુઆરીએ ભારતીય ટીમને સમાચાર મળ્યા હતા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી છે. આ સમાચારથી સાત સમુદ્ર પાર ટીમ ઇન્ડિયાનું દિલ તૂટી ગયું હતું. ગિડેયોન હાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ટીમ ઈન્ડિયાના મેનેજરે જણાવ્યું હતુ કે ભારતીય ખેલાડીઓ માટે આ સમય ખુબ જ મુશ્કેલ હતો. ટીમના ખેલાડીઓને આખી રાત ઊંઘ આવી ન હતી. આ સમાચાર સાંભળીને ઘણા ખેલાડીઓ રડી પડ્યા હતા. તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો પર સમાચાર સાંભળતા રહ્યા. ટીમ પણ પ્રવાસ રદ કરવા માંગતી હતી.

આ પણ વાંચો – રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, તેના સ્થાને આ ખેલાડીને મળશે ટીમમાં સ્થાન

મહાત્મા ગાંધી માટે મૌન પાળવામાં આવ્યું

જોકે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો ન હતો. પાંચમી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાવાની હતી. મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓએ મહાત્મા ગાંધી માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું. ખેલાડીઓએ બ્લેક બેન્ડ પણ પહેર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં બિન-બ્રિટીશ લોકો માટે આ પ્રકારનું મૌન પ્રથમ વખત પાળવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના લેજન્ડ ડોન બ્રેડમેનની ઘરઆંગણે આ આખરી ટેસ્ટ મેચ હતી. બ્રેડમેને કહ્યું હતું કે આ મેચમાં ભારતીય ખેલાડીઓ દિલથી રમી શકે તેમ નથી. તે ખૂબ ઉદાસ હતો. ભારત આ મેચ એક ઈનિંગ્સ અને 177 રનથી હારી ગયું હતું. આ શ્રેણીમાં 4-0થી ટીમ ઇન્ડીયાનો પરાજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ