IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ગુરુવાર, 7 માર્ચથી ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાશે. 3-1ની અજેય લીડ લીધા પછી ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન સુરક્ષિત કરવા માટે બીજી જીત સાથે શ્રેણી સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખશે. આમ આઠ મેચોમાં પાંચ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી આગળ છે, જ્યારે ઈંગ્લેન્ડ આઠમા સ્થાને છે.
ઈંગ્લેન્ડ પ્રથમ વખત આ મેદાન પર ટેસ્ટ મેચ રમશે
ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ રમાય એ પહેલા ધર્મશાળાના સ્ટેડિયમની વાત કરીએ તો ધર્મશાળામાં માત્ર એક જ ટેસ્ટ રમાડવામાં આવી છે. ભારતે 2017માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી હતી. આ સિવાય ભારતે ગ્રાઉન્ડ પર ત્રણ T20 (બે જીત, એક હાર) અને પાંચ ODI (ત્રણ જીત, બે હાર) રમી છે. આ સ્થળે ભારતની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓક્ટોબર 2023માં ODI વર્લ્ડ કપ દરમિયાન ન્યુઝીલેન્ડ સામે હતી. ત્યારબાદ મેન ઇન બ્લુ ચાર વિકેટે જીતી હતી. ઈંગ્લેન્ડ પ્રથમ વખત આ મેદાન પર ટેસ્ટ મેચ રમશે.
2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ
ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલા 2017માં ધર્મશાલાના આ મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરિઝ રમાઇ હતી. રોમાંચક શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ધર્મશાલામાં ટેસ્ટ મેચ પહેલા ત્રણ ટેસ્ટ મેચો બાદ 1-1 થી બરાબરી પર હતા. તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી મેચમાંથી બહાર થઈ જતાં યજમાન ટીમને મોટો ફટકો પડ્યો હતો. અજિંક્ય રહાણેએ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથે શ્રેણીમાં ત્રીજી સદી ફટકારી હતી. જો કે, સ્મિથને તેના સાથી ખેલાડીઓનો વધુ સહકાર મળ્યો ન હતો.

ધર્મશાલામાં ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા ધર્મશાલામાં ટેસ્ટ મેચમાં નવોદિત ખેલાડી કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી અને ભારતે ઓસ્ટ્રેલિયાને 300 રનમાં આઉટ કરી દીધું હતું. જવાબમાં રવિન્દ્ર જાડેજા, કેએલ રાઉલ અને ચેતેશ્વર પુજારાના અર્ધસદીની મદદથી ભારતે 32 રનની લીડ મેળવી હતી. આ પછી જવાબદારી ભારતના દિગ્ગજ બોલરો પર હતી.
આ પણ વાંચોઃ- ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ : રોહિત શર્મા કરશે 2 ફેરફાર? જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા 137 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જો કે ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કરતા શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન રહાણે અને કેએલ રાહુલે અડધી સદી ફટકારીને ટીમને આઠ વિકેટે જીત અપાવી હતી. ભારતે શ્રેણી 2-1થી કબજે કરી હતી.





