India vs Pakistan, ICC Women’s Cricket World Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જ મેન્સ એશિયા કપ દરમિયાન રમત કરતાં વધુ રાજકીય વિવાદો ચર્ચામાં રહ્યા હતા. આ મામલો હજુ સુધી શાંત થયો નથી. તેની શરુઆત લીગ સ્ટેજમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ સાથે હાથ ના મિલાવવાથી થઇ હતી. આ પછી પાકિસ્તાન તરફથી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે વિરોધ કર્યો હતો અને આઇસીસીને પણ ફરિયાદ કરવામાં આવી હતી.
તે સમયે આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું હતું કે એશિયા કપ એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ના અધિકારવાળી ટૂર્નામેન્ટ છે. જોકે હવે મહિલા વન-ડે વર્લ્ડ કપ શરુ થયો છે. ત્યારે 5 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈને પણ આવો જ મુદ્દો સામે આવી રહ્યો છે. શું મહિલા ટીમ મેન્સ ટીમની જેમ પાકિસ્તાનની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં કે પછી આ ટૂર્નામેન્ટમાં આઇસીસીના પ્રોટોકોલને કારણે આવું કરવું પડશે?
શું હાથ મિલાવવા જરૂરી છે?
નિયમોની વાત કરીએ તો એવો કોઈ નિયમ નથી કે મેચ બાદ એક ટીમના ખેલાડીઓએ બીજી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવવો જરૂરી છે. પરંતુ આ રમતના સ્પિરિટને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેવા તણાવના કારણે વાતાવરણ બગડ્યું ત્યારે ભારતીય મેન્સ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેદાન પર પણ તેનો વિરોધ કર્યો હતો. સૂર્યકુમારે એશિયા કપ 2025 દરમિયાન ત્રણેય મેચમાં પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો કે તેમની સાથે વાત કરી નથી.
આ પછી ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમે એસીસી પ્રમુખ અને પીસીબીના ચેરમેન મોહસીન નકવી પાસેથી ટ્રોફી અને મેડલ પણ સ્વીકાર્યો ન હતો. પરંતુ તે આઇસીસી ટૂર્નામેન્ટ ન હતી, તેથી આઇસીસી આ સમગ્ર વિવાદ પર મૌન રહ્યું હતું. પરંતુ હવે જો મહિલા વન ડે વર્લ્ડ કપમાં આ વિવાદ સામે આવે તો આઇસીસીનો પ્રોટોકોલ ભારતીય સિદ્ધાંતોના માર્ગમાં આવી શકે છે.
આ મામલે ભારતીય મહિલા ટીમ કે કેપ્ટન હરમનપ્રીત કૌરને કોઇ નિર્દેશ આપવામાં આવી હોય તેવી હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. જો તેઓ વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવના પગલે ચાલે અને પાકિસ્તાન તરફથી આઇસીસીમાં ફરિયાદ કરવામાં આવે તો આઇસીસી પણ આ મામલે હસ્તક્ષેપ કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય મહિલા ટીમ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવશેછે કે નહીં તે અંગે કંઇ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો – શું ચેમ્પિયનના બદલે અન્ય કોઇ રાખી શકે છે એશિયા કપ ટ્રોફી? જાણો શું કહે છે નિયમ
ગત વખતની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો ટકરાઇ હતી ત્યારે મેદાનની બહાર ડ્રેસિંગરુમમાં ઘણી મિત્રતા જોવા મળી હતી. ભારતીય ટીમના ખેલાડીઓ પાકિસ્તાનની બિસ્માહ મરૂફના બાળકને રમાડતા જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે તેથી આ મિત્રતા તો દૂર રહી, બંને ટીમો હાથ મિલાવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરનો અભિપ્રાય શું છે?
ઈન્ડિયન એક્સપ્રેસે આ સમગ્ર મામલે ભારતની બે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરો સાથે પણ વાત કરી હતી. ભારત માટે 1978માં વર્લ્ડ કપ રમનાર શોભા પંડિતે કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતા સ્પષ્ટ છે કે તમામ ખેલાડીઓ રમત અને રમત સાથે સંકળાયેલા રાજકારણના કારણે તણાવમાં રહેશે. પણ હું ભારતીય ટીમ અને કેપ્ટન હરમનપ્રીતને ટેકો આપીશ, પછી ભલે તે હાથ મિલાવે કે ના મિલાવે, વાત કરે કે ના કરે.
1984થી 1995 દરમિયાન ભારતીય ટીમ તરફથી 13 ટેસ્ટ અને 21 વન ડે રમનાર સંધ્યા અગ્રવાલે સ્પષ્ટ કહ્યું હતુ કે, હરમનપ્રીતે સૂર્યકુમાર યાદવની જેમ જ કરવું જોઈએ. તે પુરુષોની ટીમ જેવું જ હોવું જોઈએ. હરમનપ્રીતે પાકિસ્તાનની ટીમ સાથે સૂર્યાની જેમ જ વર્તન કરવું જોઈએ. પરંતુ મને નથી લાગતું કે તેનાથી કોઈ વધારાનો તણાવ અથવા દબાણ આવવું જોઈએ.