India-SA Test at Guwahati : ટેસ્ટ ક્રિકેટમાં ટોસ બાદ પ્રથમ સેશન રમાય છે અને પછી લંચ યોજાય છે. બીજા સેશનની રમત ખતમ થયા પછી ટી બ્રેક પડે છે. ત્રીજું સત્ર સેશનના અંતે સ્ટમ્પ (દિવસની રમત પૂર્ણ) થાય છે, પરંતુ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન તેમાં ફેરફાર થવાની સંભાવના છે. પ્રથમ વખત ખેલાડીઓને લંચ પહેલા ટી બ્રેક મળશે. આ એટલા માટે છે કારણ કે દેશના પૂર્વીય ભાગમાં સૂર્ય વહેલો ઉગે છે અને આથમે છે.
ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં ટેસ્ટનું પ્રથમ સેશન સવારે 9 થી 11 વાગ્યા સુધી રમાશે. આ પછી ટી બ્રેક સવારે 11 વાગ્યાથી 11.20 વાગ્યા સુધી રહેશે. બીજું સેશન સવારે 11.20 થી બપોરે 1.20 વાગ્યા સુધી રમાશે. લંચ બ્રેક બપોરે 1:20 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે. જ્યારે રમતનું ત્રીજું સત્ર બપોરે 2 થી સાંજના 4 વાગ્યા સુધી રમાશે.
ટી બ્રેક પહેલા કેમ કરાશે?
બોર્ડના એક સૂત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ટી બ્રેક વહેલા થવાનું કારણ એ છે કે ગુવાહાટીમાં સૂર્ય વહેલા આથમે છે અને શરૂઆત પણ વહેલી થાય છે. આ પહેલીવાર હશે જ્યારે અમે ટી બ્રેક સેશનરમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે કારણ કે તેનાથી મેદાન પર એકસ્ટ્રા ગેમ ટાઇમ માટે સમય બચશે.
પ્રથમ સત્ર પછી લંચ, ટી બ્રેક અને ત્યારબાદ સ્ટમ્પ્સ
સામાન્ય રીતે ભારતમાં ટેસ્ટ મેચ સવારે 9.30 વાગ્યાથી શરૂ થાય છે. 40 મિનિટનો લંચ બ્રેક (સવારે 11:30 થી બપોરે 12:10 વાગ્યા સુધી)હોય છે. આ પછી બીજા સેશનની રમત શરૂ થાય છે. બંને ટીમો 20 મિનિટનો ટી બ્રેક લે છે (બપોરે 2:10 થી બપોરે 2:30 વાગ્યા સુધી). આ પછી ત્રીજું સત્ર 2:30 થી 4:30 વાગ્યા સુધી છે. મેચ ઓફિસિઅલ્સ ટીમને દરરોજ 90 ઓવર પુરી કરવા માટે અડધો કલાકનો વધારાનો સમય આપી શકે છે.
આ પણ વાંચો – આઈસીસી વન ડે રેન્કિંગ : રોહિત શર્મા કારકિર્દીમાં પ્રથમ વખત નંબર 1 વન ડે પ્લેયર બન્યો
મોટાભાગની ટીમો ટેસ્ટ મેચમાં પરંપરાગત લંચ-ટી બ્રેકનું પાલન કરે છે
મેચનો શરુ થવાનો સમય દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે છે, જેમ કે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ સવારે 11 વાગ્યાથી શરુ થાય છે કારણ કે ઉનાળામાં ત્યાં દિવસો લાંબા હોય છે. જોકે મોટાભાગની ટીમો ટેસ્ટ મેચ દરમિયાન પરંપરાગત લંચ-ટી બ્રેકનું પાલન કરે છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા અને બીસીસીઆઈ બંનેએ તેમના સેશનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પણ બીસીસીઆઇએ તેની રણજી ટ્રોફીની મેચમાં વહેલા સૂર્યાસ્તની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના સેશનના સમયમાં ફેરફાર કર્યો છે.





