India Test Squad Announcement : ભારત બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે અને તે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલ અને ઋષભ પંતની વાપસી થઇ છે. ભારતની ટેસ્ટ ટીમમાં 21 મહિના બાદ ઋષભ પંતની વાપસી થઇ છે, જ્યારે કેએલ રાહુલને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની 16 સભ્યોની ભારતીય ટીમમાં સરફરાઝ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઋષભ પંતની ટીમમાં વાપસી
વ્યક્તિગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ભાગ ન રહેલા વિરાટ કોહલીએ પણ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં વાપસી કરી છે. આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બેકઅપ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ પણ ટીમનો સભ્ય છે. રજત પાટીદારને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
યશ દયાલને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન
આ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને યશ દયાલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ટીમમાં સ્પિનર તરીકે આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે. આકાશ દીપે દુલીપ ટ્રોફી 2024ની પહેલી જ મેચમાં 9 વિકેટ લીધી હતી અને તેને તેનું ઈનામ મળ્યું છે અને તે ટેસ્ટ ટીમનો ભાગ છે. ઉત્તર પ્રદેશના ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યશ દયાલને ડોમેસ્ટિક લેવલમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ એવોર્ડ મળ્યો છે.
આ પણ વાંચો – આ ટીમ 10 રનમાં ઓલઆઉટ, જાણો કઇ ટીમે બનાવ્યો આવો રેકોર્ડ
લાંબી ટેસ્ટ સિઝનની શરૂઆત
ભારત તેની લાંબી ટેસ્ટ સિઝનની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) 2023-25 નો ભાગ છે. બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી ટેસ્ટ કાનપુરમાં રમાશે. ત્રણ ટી-20 મેચની શ્રેણી પણ રમાશે. આ પછી ભારતને ન્યૂઝીલેન્ડ સામે તેની જ ભૂમિ પર ત્રણ ટેસ્ટ રમવાની છે. ત્યારબાદ વ્હાઇટ બોલ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા જશે. વર્ષના અંતમાં પાંચ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે
પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.





