India squad for Australia Tour: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ટેસ્ટ મેચ બાદ શુભમન ગિલને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડે ટીમનો ભાગ છે, પરંતુ રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનું કારણ જણાવ્યું છે.
ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવા અશક્ય – અજીત અગરકર
મુખ્ય પસંદગીકારે એમ પણ કહ્યું કે રોહિત શર્માને કેપ્ટનશિપમાં ફેરફારની જાણ કરવામાં આવી છે. વિરાટ કોહલીની જેમ રોહિત શર્માએ પણ ઉત્તમ રેકોર્ડ હોવા છતાં કેપ્ટનશીપ છોડી દેવી પડી છે.પસંદગી સમિતિના વડા અજિત અગરકરે રોહિત શર્માને વન -ડે કેપ્ટન પદેથી હટાવવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમનું માનવું છે કે ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવા અશક્ય છે.
આ નિર્ણય 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો
અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નિર્ણય 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આપણે વધારે વન-ડે મેચો રમવાની નથી અને આપણે આગામી કેપ્ટનને પૂરતો સમય આપવાની જરૂર છે. રોહિત શર્માને કેપ્ટન પદમાં ફેરફારની જાણ કરવામાં આવી છે. રોહિતને કેપ્ટન પદેથી કેવી રીતે હટાવવાનો નિર્ણય લીધો તે તેમના અને પસંદગી સમિતિ વચ્ચેનો મામલો છે.
રોહિત શર્માને ટેસ્ટમાં પણ આવી રીતે હટાવ્યો હતો
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમોની જાહેરાતના થોડા દિવસ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિત તે સમયે ટેસ્ટ કેપ્ટન પણ હતો, પરંતુ પસંદગીકારોએ શુભમન ગિલને કેપ્ટનશિપ આપવાનો નિર્ણય લીધો હતો.
રવિન્દ્ર જાડેજાને ટીમમાં કેમ ના મળ્યું સ્થાન
રવિન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા સામેની 3 વન ડેની શ્રેણી માટેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ચીફ સિલેક્ટર અજીત અગરકરે જાડેજા અંહગે કહ્યું કે જાડેજા ભારતની વન-ડે યોજનામાં છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની હાલત જોતા તેને હાલ આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
અગરકરે કહ્યું કે અમે વન ડે વર્લ્ડ કપ 2027 તરફ પણ નજર રાખી રહ્યા છીએ અને અત્યારે ટીમમાં અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર પણ છે, જેને અમે ભવિષ્યના ખેલાડી તરીકે જોઈ રહ્યા છીએ, જેના કારણે જાડેજાનું નામ વિચારવામાં આવ્યું નથી. હાર્દિક પંડયાને ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. વર્કલોડને કારણે જસપ્રીત બુમરાહને ભારતની વન ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ધ્રુવ જુરેલ ઇન, સંજુ સેમસન બહાર? જાણો કેમ
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સંજુ સેમસનના બદલે ધ્રુવ જુરેલને કેમ પસંદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સંજુ સેમસન ટોપ ઓર્ડરનો બેટ્સમેન છે. મોટે ભાગે તે ટોપ ઓર્ડરમાં રમ્યો છે અને તે સ્થાન ખાલી નથી. જ્યારે બેકઅપ વિકેટકિપર મિડલ ઓર્ડર કે લોઅર મિડલ ઓર્ડર રમશે. ધ્રુવ જુરેલ લાઇન નીચે રમી રહ્યો છે અને કેએલ રાહુલ પણ તે જ સ્થિતિમાં રમે છે. એટલા માટે ધ્રુવને તક મળી છે.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વન-ડેમાં પણ શુભમન ગિલ કેપ્ટન, ટીમમાં રોહિત-કોહલી રમશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનિ-ડે શ્રેણી 19 થી 25 ઓક્ટોબર દરમિયાન સિડની, એડિલેડ અને મેલબોર્નમાં રમાશે. ત્યારબાદ પાંચ મેચની ટી 20 શ્રેણી રમાશે. સૂર્યકુમાર યાદવ ટી20 શ્રેણી માટે કેપ્ટન રહેશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની વન-ડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ટી 20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.