India Squad Announcement Sri Lanka series : ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામેની ટી-20 અને વન ડે શ્રેણી માટેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ ટી-20માં સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. રોહિત વન ડે ફોર્મેટમાં કેપ્ટન્સી કરશે. ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગિલને બંને ફોર્મેટમાં ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 26 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન 3 ટી20 મેચ અને 3 વનડે મેચ રમશે
હાર્દિક પંડયાને ન મળી કેપ્ટનશિપ
હાર્દિક પંડયાએ આખું વર્ષ ટી-20 ફોર્મેટમાં ભારતની કેપ્ટન્સી સંભાળી હતી. રોહિતની હાજરીમાં તે ટીમનો વાઇસ કેપ્ટન હતો. જોકે ટી-20 વર્લ્ડ કપ બાદ બોર્ડે કેપ્ટન્સીની જવાબદારી સૂર્યકુમાર યાદવને સોંપી દીધી છે. હાર્દિકને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો નથી.
અભિષેક શર્મા ટીમની બહાર
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ડેબ્યૂ કરનાર રિયાન પરાગ ટીમમાં યથાવત્ છે. જોકે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારનાર અભિષેક શર્મા ટીમની બહાર થઈ ગયો છે. ટીમમાં વિકેટકિપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને ઋષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલની ટી 20માં વાપસી થઈ નથી.
રિયાન પરાગ અને હર્ષિત રાણાનો વન-ડે ટીમમાં સમાવેશ
વનડે ટીમની વાત કરીએ તો રોહિત શર્મા ટીમનો કેપ્ટન રહેશે. ઋષભ પંતની વનડે ટીમમાં એક વર્ષ કરતા વધુ સમય બાદ વાપસી થઇ છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર રહેલા શ્રેયસ ઐયરનું નામ પણ ટીમમાં સામેલ છે. રિયાન પરાગ અને હર્ષિત રાણાની વન-ડે ફોર્મેટ માટેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, ટી-20 અને વન-ડે સિરીઝની સંપૂર્ણ જાણકારી
ભારતની ટી 20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ , અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
ભારતની વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.