scorecardresearch

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : અજિંક્ય રહાણેને 469 દિવસો પછી ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું, સૂર્યકુમાર યાદવને પડતો મુકાયો

WTC Final: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી, ફાઇનલ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે રમાશે

WTC final Ajinkya Rahane
અજિંક્ય રહાણેને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે (ફાઇલ ફોટો)

World Test Championship Final: ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી ઇંગ્લેન્ડના ઓવલ ખાતે રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. 469 દિવસો પછી રહાણેની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે. રહાણેને 2021-22માં ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પછી ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો.

રહાણેએ ઘરેલું સિઝનમાં શાનદાર રમત બતાવી

રહાણે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી તક શોધી રહ્યો હતો પરંતુ આઈપીએલ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી અને તેણે તે યોજનાઓ પર વિરામ મુક્યો હતો. આ પછી ઘરેલું સિઝનમાં રહાણેએ દુલીપ ટ્રોફી અને રણજી ટ્રોફીમાં બેવડી સદી સહિત ત્રણ સદી ફટકારી હતી. ભારતની પ્રીમિયર ડોમેસ્ટિક સિઝનમાં મુંબઈની આગેવાની કરતા રહાણેએ 634 રન બનાવી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા.

રહાણે આઈપીએલમાં ઝળક્યો

આ પછી હાલ આઈપીએલ 2023માં રહાણે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જે દર્શાવે છે કે તેને ટીમમાં પરત ફરવા ઘણી મહેનત કરી છે. તેની માત્ર પસંદગીકારોએ જ નોંધ લીધી નથી ટીમ મેનેજમેન્ટનું સમર્થન પણ મેળવ્યું છે. શ્રેયસ અને પંતની ગેરહાજરીના કારણે ટીમ મેનેજમેન્ટ માને છે કે ઓસ્ટ્રેલિયા સામે મિડલ ઓર્ડરમાં રહાણેની હાજરીની જરૂર પડશે. કારણ કે ટીમ ઇન્ડિયા 2013 પછી એકપણ આઇસીસી ટાઇટલ જીતી શક્યું નથી. જેથી આ વખકે તક ગુમાવવા માંગતી નથી. કેએલ રાહુલ પણ ટીમમાં છે અને તે મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવી શકે છે. વિકેટકીપર તરીકે કેએસ ભરતનો પણ સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો – સચિન તેંડુલકરને બાળપણમાં મેક કહેવામાં આવતું હતું? જાણો માસ્ટર બ્લાસ્ટરની રસપ્રદ વાતો

સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવને સ્થાન ન મળ્યું

રહાણેના સમાવેશને બાદ કરતાં ફેબ્રુઆરી-માર્ચમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઉતરેલી ટીમમાં અન્ય કોઈ મોટા ફેરફાર કરાયા નથી. સૂર્યકુમાર યાદવે પોતાનું સ્થાન ગુમાવ્યું છે અને અપેક્ષા મુજબ પસંદગીકારોએ શાર્દુલ ઠાકુરને ટીમમાં પાછો બોલાવ્યો છે. જે મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સાથે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રમી શકે છે. ઠાકુરનો સમાવેશ કરતા પસંદગીકારો પાસે કુલદીપ યાદવને પડતો મુકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. કારણ કે ટેસ્ટ માટે ચાર સ્પિનરો પસંદ કરવા બિનજરૂરી રહેશે. ટીમમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પહેલેથી જ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Web Title: India test squad for wtc final ajinkya rahane returns suryakumar yadav dropped

Best of Express