India vs South Africa ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતે શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. હવે ત્રણ મેચોની વનડે શ્રેણીનો વારો છે જેમાં ટી20 શ્રેણીમાં રમેલા ઘણા મોટા ચહેરાઓ જોવા મળશે નહીં. આ મોટા ચહેરાઓમાં સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. વનડે શ્રેણીમાં ભારતની કેપ્ટનશિપ કેએલ રાહુલના હાથમાં રહેશે અને ત્રણ મેચમાં ભારત આ ખેલાડીઓના દમ પર દક્ષિણ આફ્રિકાને પડકાર આપવા મેદાન પર ઉતરશે.
વન-ડે શ્રેણી 17 ડિસેમ્બરથી શરૂ થશે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી મેચ 19 ડિસેમ્બરે રમાશે, જ્યારે ત્રીજી મેચ 21 ડિસેમ્બરે રમાશે. વન ડે શ્રેણી માટેની ટી-20 ટીમમાંથી રિટેન કરવામાં આવેલા ખેલાડીઓમાં રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને દીપક ચહરનો સમાવેશ થાય છે. એટલે કે સાઉથ આફ્રિકા સામેની 17 સભ્યોની વન-ડે ટીમમાં આવા 9 ખેલાડીઓ છે જે આ પ્રવાસમાં ટી-20 ટીમનો ભાગ હતા.
કેએલ રાહુલ વન-ડે ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે
જે ખેલાડીઓ ટી-20 ટીમમાં સામેલ હતા પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં નહીં રમે તેમાં સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, જીતેશ શર્મા, ઇશાન કિશન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઇનો સમાવેશ થાય છે. આમાંથી ગિલ, સિરાજ, યશસ્વી, કિશન અને જાડેજા ટેસ્ટ ટીમમાં છે જ્યારે સૂર્યકુમાર, જીતેશ શર્મા અને રવિ બિશ્નોઇ હવે ભારત પરત ફરશે. કેએલ રાહુલ વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો – સૂર્યકુમાર અને કુલદીપ યાદવ ઝળક્યા, ત્રીજી ટી-20માં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 106 રને વિજય
રિંકુ સિંહ, રજતને પહેલીવાર મળી તક
દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી હતી તેને ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. જેમાં આરસીબીના સ્ટાર ખેલાડી રજત પાટીદાર, તામિલનાડુના બેટ્સમેન સાઇ સુદર્શનનો સમાવેશ થાય છે. જ્યારે સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રિંકુ સિંહને પહેલીવાર ભારતીય વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. દીપક ચહર વન-ડે ટીમનો ભાગ છે પરંતુ તેનું રમવું શંકાસ્પદ છે કારણ કે તે પારિવારિક કારણોસર દક્ષિણ આફ્રિકા પહોંચ્યો નથી અને તે ટી -20 શ્રેણીમાં પણ રમ્યો ન હતો.
દક્ષિણ આફ્રિકા સામે ભારતની વન-ડે ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન , અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર.





