India tour of Zimbabwe 2024 Highlights : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પાંચ મેચની ટી 20 શ્રેણી સમાપ્ત થઇ ગઇ છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતે પાંચ મેચની શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો છે. ભારતનો એકમાત્ર પ્રથમ ટી 20માં પરાજય થયો હતો. આ પછી ચારેય મેચમાં જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. અહીં પાંચેય ટી 20 મેચમાં શું થયું હતું તેના વિશે માહિતી આપી રહ્યા છીએ.
પ્રથમ ટી 20 ઝિમ્બાબ્વેનો 13 રને વિજય
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ ટી 20માં ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જતા ભારત સામે 13 રને વિજય મેળવ્યો હતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા. ભારત 19.5 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. 17 રન કરનાર અને 3 વિકેટ ઝડપનાર સિકંદર રઝાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
બીજી ટી 20માં ભારતનો 100 રને વિજય
અભિષેક શર્માની સદી (100), ઋતુરાજ ગાયકવાડના અણનમ 77 અને રિંકુ સિંહના અણનમ 48 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20 મેચમાં 100 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. 47 બોલમાં 100 રન બનાવનાર અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ત્રીજી ટી 20માં ભારતનો 23 રને વિજય
શુભમન ગિલની અડધી સદી (66)બાદ વોશિંગ્ટન સુંદરની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી 20માં 23 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. 15 રનમાં 3 વિકેટ ઝડપનાર વોશિંગ્ટન સુંદરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આ પણ વાંચો – બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહેલા અંશુમાન ગાયકવાડની મદદ કરશે BCCI, એક કરોડ રૂપિયા આપશે
ચોથી ટી 20માં ભારતનો 10 વિકેટે વિજય
યશસ્વી જયસ્વાલના અણનમ 93 અને શુભમન ગિલના અણનમ 58 રનની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની ચોથી ટી 20 મેચમાં 10 વિકેટે વિજય મેળવ્યો હતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. ભારતે માત્ર 15.2 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 156 રન બનાવી લીધા હતા. 53 બોલમાં અણનમ 93 રન ફટકારનાર યશસ્વી જયસ્વાલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
પાંચમી ટી 20માં ભારતનો 42 રને વિજય
સંજુ સેમસનની અડધી સદી (58) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વેની સામેની પાંચમી અને અંતિમ ટી-20માં 42 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો છે. 12 બોલમા 26 રન અને 25 રનમાં 2 વિકેટ ઝડપનાર શિવમ દુબેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.