Piyush Chawla retirement : ભારતીય ક્રિકેટ ટીમના 36 વર્ષીય સ્પિનર પિયુષ ચાવલાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પિયુષ ચાવલા ભારત માટે 35 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો જેમાં તેણે કુલ 43 વિકેટ ઝડપી છે. તે 13 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર હતો. તેણે છેલ્લે 2012માં વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટી-20 ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
બે વર્લ્ડ કપના વિજેતા ટીમનો ભાગ હતો
પિયુષ ચાવલા બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. 2007માં ધોનીએ પહેલીવાર ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતાડ્યું હતું ત્યારે તે ભારતીય ટીમનો હિસ્સો હતો. આ સિવાય 2011ના વન-ડે વર્લ્ડકપમાં પણ તે ટીમ ઇન્ડિયાનો ભાગ હતો. તે બંને વખત ટીમ ઇન્ડિયાનો ભાગ હતો પરંતુ તેને રમવાની તક મળી ન હતી.
2006માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું
પિયૂષ ચાવલાએ 9 માર્ચ 2006ના રોજ મોહાલીમાં ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે વન-ડેમાં ડેબ્યૂ 12 મે 2007ના રોજ બાંગ્લાદેશ સામે થયું હતું. તેને ટી-20માં ડેબ્યૂ માટે થોડી રાહ જોવી પડી હતી, પરંતુ 2 મે, 2010ના રોજ તે સાઉથ આફ્રિકા સામે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો – બેંગલુરું ભાગદોડ પર ગૌતમ ગંભીરે કહ્યું – મને ક્યારેય રોડ શો માં વિશ્વાસ રહ્યો નથી
તે ભારત માટે માત્ર 3 ટેસ્ટ મેચ રમ્યો હતો
પિયૂષે ભારત માટે ક્રિકેટ કરિયર દરમિયાન 3 ટેસ્ટ મેચ રમ્યો હતો. જેમાં તેણે 7 વિકેટ લીધી હતી અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 133 રન પર 4 વિકેટ રહ્યું હતું. વન ડેમાં તેણે 25 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ જેમાં તેણે 32 વિકેટ ઝડપી હતી અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 23 રનમાં 4 વિકેટનું રહ્યું હતુ. તેણે ભારત માટે 7 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો જેમાં તેણે 4 વિકેટ લીધી હતી અને 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી તે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેણે પોતાની કારકિર્દીમાં 297 ટી-20 મેચ રમી હતી, જેમાં તેના નામે 319 વિકેટ છે.
પિયુષ ચાવલાએ નિવૃત્તિ સમયે શું કહ્યું
તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મારા પર વિશ્વાસ મૂકનાર IPL ફ્રેન્ચાઇઝી – પંજાબ કિંગ્સ , કોલકાતા નાઈટ રાઇડર્સ , ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો હૃદયપૂર્વક આભાર. ઇન્ડિયન પ્રીમિયર લીગ મારી કારકિર્દીનો ખરેખર એક ખાસ અધ્યાય રહ્યો છે, અને મેં તેમાં રમવાની દરેક ક્ષણને ખૂબ જ યાદ કરી છે. હું મારા કોચ – શ્રી કેકે ગૌતમ અને સ્વર્ગસ્થ શ્રી પંકજ સારસ્વત – નો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને ક્રિકેટર બનવા માટે ઉછેર્યો અને ઘડ્યો. આજે મારા માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે કારણ કે હું સત્તાવાર રીતે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું.