India vs Afghanistan 3rd T20I : રોહિત શર્માની સદી અને રિંકુ સિંહની અડધી સદીની મદદથી ભારતે બુધવારે અફઘાનિસ્તાન સામે ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ચાર વિકેટે 212 રન બનાવ્યા હતા. રોહિતે 69 બોલમાં 11 ફોર 8 સિક્સર સાથે અણનમ 121 રન બનાવ્યા હતા. જ્યારે રિંકુ સિંહે 39 બોલમાં 2 ફોર 6 સિક્સર સાથે અણનમ 69 રન બનાવ્યા હતા. રોહિત અને રિંકુએ આ મેચમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે.
રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ સદી
એક વર્ષથી વધુ સમય બાદ રોહિત શર્મા આ સિરીઝ સાથે ટી-20માં પરત ફર્યો છે. તે પ્રથમ બે મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો પરંતુ આ તેણે ત્રીજી ટી-20માં શાનદાર સદી ફટકારી છે.
આ રોહિત શર્માની પાંચમી આંતરરાષ્ટ્રીય ટી-20 સદી છે. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધારે સદી ફટકાનાર ખેલાડી બની ગયો છે. ભારતના સૂર્યકુમાર યાદવ અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલની 4-4 સદી છે. રોહિતે તેના પાંચ વર્ષના દુષ્કાળનો પણ અંત કર્યો છે. રોહિતે છેલ્લી ટી-20 સદી 2019માં ફટકારી હતી.
ભારત તરફથી સૌથી મોટી ભાગીદારી
રોહિત અને રિંકુએ પાંચમી વિકેટ માટે 95 બોલમાં અણનમ 190 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભારતની T20માં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા દિપક હુડા અને સંજુ સેમસનની 176 રનની હતી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા રમશે છેલ્લી ટી-20 મેચ, આ 3 ખેલાડીઓએ નોંધાવી મજબૂત દાવેદારી
અંતિમ ઓવરમાં 36 રન ફટકાર્યા
ભારતે ઇનિંગની છેલ્લી ઓવરમાં 36 રન બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં સૌથી વધુ 36 રન બન્યા છે. રિંકુ અને રોહિતે આ મામલે યુવરાજ સિંહ અને કિરોન પોલાર્ડની બરાબરી કરી હતી.
પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી
રોહિત શર્મા અને રિંકુ સિંહે 190 રનની ભાગીદારી કરી આંતરરાષ્ટ્રીય ટી-20માં પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાવી છે. આ પહેલા આ રેકોર્ડ નેપાળના મલ્લા અને એરેનના નામે હતો. જેમણે 2023માં હોંગકોંગ સામે 145 રન બનાવ્યા હતા.