India vs Australia, 2nd Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની શ્રેણીની બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના ફિરોઝશાહ કોટલા (હવે અરુણ જેટલી સ્ટેડિયમ)માં રમાશે. ભારતીય ટીમ અત્યાર સુધી કુલ 556 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં 171 મેચમાં જીત મળી છે અને 174 મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે અને 220 મુકાબલા ડ્રો રહ્યા છે.
ભારતનો ટેસ્ટ ફોર્મેટમાં અંતિમ પરાજય જુલાઇ 2022માં ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમમાં થયો હતો. ઇંગ્લેન્ડ સામે ભારતનો આ મેચમાં 7 વિકેટે પરાજય થયો હતો. આ પછી ભારત 3 ટેસ્ટ મેચ રમ્યું છે અને બધી મેચમાં જીત મેળવી છે. હવે ટીમ ઇન્ડિયાની નજર કોટલા મેચમાં જીત મેળવી વિજયની બાઉન્ડ્રી ફટકારવા તરફ રહેશે. કોટલા ટેસ્ટ મેચ ચેતેશ્વર પૂજારા માટે પણ ઘણી ખાસ છે.
ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટ
ચેતેશ્વર પૂજારાની આ 100મી ટેસ્ટ છે. ઓસ્ટ્રેલિયા સામે 17 ફેબ્રુઆરીએ મેદાન પર ઉતરતા જ પૂજારા 100મી ટેસ્ટ રમનારો ભારતનો 13મો ક્રિકેટર બની જશે. આ સિવાય આ મેચમાં તેના નિશાને સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ પણ રહેશે.
આ પણ વાંચો – ચેતેશ્વર પૂજારા પર પિતા અરવિંદ, કહ્યું- આજના જમાનામાં તેના જેવો પુત્ર મળવાથી હું ધન્ય છું
કોટલામાં ઓસ્ટ્રેલિયા સામે લક્ષ્મણે બનાવ્યા સૌથી વધારે રન
અરુણ જેટલી સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વીવીએસ લક્ષ્મણના નામે છે. લક્ષ્મણે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટમાં 259 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર આ મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે 3 ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે 26.33ની એવરેજથી 158 રન બનાવ્યા છે.
ચેતેશ્વર પૂજારા સચિનથી ફક્ત 24 રન પાછળ
ચેતેશ્વર પૂજારા સચિનથી ફક્ત 24 રન પાછળ છે. પૂજારા કોટલામાં ઓસ્ટ્રેલિયા સામે એક મેચ રમ્યો છે અને 134 રન બનાવ્યા છે. પૂજારા ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં 25 રન બનાવી લેશે તો તે સચિનને પાછળ રાખી દેશે. જોકે સચિન ઘેરેલું મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધારે રન બનાવનાર ભારતીય છે. સચિન તેંડુલકરે 19 ટેસ્ટમાં 56.90ની એવરેજથી 1821 રન બનાવ્યા છે. પૂજારા આ મામલે ચોથા સ્થાને છે. લક્ષ્મણ બીજા અને રાહુલ દ્રવિડ ત્રીજા નંબરે છે. લક્ષ્મણે 14 મેચમાં 1198 અને દ્રવિડે 17 મેચમાં 1000 રન બનાવ્યા છે. પૂજારાએ 10 ટેસ્ટ મેચમાં 60.46ની એવરેજથી 907 રન બનાવ્યા છે.
ચેતેશ્વર પૂજા જો કોટલા ટેસ્ટમાં 94 રન બનાવશે તો તે રાહુલ દ્રવિડથી આગળ નીકળી જશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીયોમાં હાલ સચિન તેંડુલકર ટોચના સ્થાને છે. સચિને આ મેદાન પર 10 ટેસ્ટમાં 42.16ની એવરેજથી 759 રન બનાવ્યા છે.