India vs Australia First Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થવાની છે. શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેદાન પર પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. આ મેદાનની તસવીરો સામે આવી છે જેમાં પિચ દેખાઈ રહી છે. આ પિચને જોતા એવું મનાય છે કે પર્થમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળી શકે છે. જોકે બંને ટીમોના બેટ્સમેનોને મુશ્કેલી પડી શકે છે.
પિચની તસવીર સામે આવી
ઓપ્ટસ સ્ટેડિયમની પિચની જે તસવીરો સામે આવી છે તેમાં મેદાન અને પિચને અલગ કરવી મુશ્કેલ છે. પિચ પર વધારે પડતું ઘાસ છે. પિચ સૂકાઈ ન જાય તે માટે તેને સતત પાણી આપવામાં આવી રહ્યું છે. મંગળવાર સુધી પિચ જે સ્થિતિમાં હતી તેને જોઈને લાગી રહ્યું છે કે અહીં ફાસ્ટ બોલરોને મદદ મળશે. સારો બાઉન્સ થશે.
કોહલી-જયસ્વાલની મુશ્કેલીઓ વધી શકે છે
વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સ્ટિવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ માટે આ પિચ મુશ્કેલી ઉભી કરી શકે છે. જોકે પેટ કમિન્સ, જસપ્રીત બુમરાહ અને અન્ય ફાસ્ટ બોલરો માટે સારા સમાચાર છે. જો મેચના સમય સુધીમાં ઘાસ કાપવામાં ન આવે તો બંને ટીમોમાં ચાર-ચાર ફાસ્ટ બોલરો જોવા મળી શકે છે.
આ પણ વાંચો – જ્યારે મેલબોર્નમાં પ્રથમ વખત મૌન ઉભી હતી ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ, પ્રવાસ રદ કરવા માંગતી હતી ટીમ ઇન્ડિયા
80 વર્ષમાં પ્રથમ વખત પર્થથી શરૂ થશે ટેસ્ટ શ્રેણી
ભારત પર્થ સાથે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ કરશે તેવું 80 વર્ષમાં પહેલી વખત બનશે. આ સ્થળ મુખ્યત્વે ખતરનાક પિચો માટે જાણીતું છે. જોકે અત્યાર સુધી વાકા સ્ટેડિયમમાં મેચો યોજાતી હતી. પરંતુ ઓપ્ટસ સ્ટેડિયમમાં પણ આવું જ હશે તેવી અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા હવે પિચને એવી રીતે તૈયાર કરે છે કે ત્યાં ફાસ્ટ બોલરોને મદદ મળે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ જોવા મળ્યું છે.
પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત, ધ્રુવ જુરેલ/સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.





