IND vs BAN 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ 22 ડિસેમ્બરે રમાશે. રોહિત શર્મા અંગૂઠાની ઇજામાંથી પુરી રીતે બહાર આવી શક્યો નથી. બીજી વન-ડે દરમિયાન ફિલ્ડિંગ કરતા સમયે રોહિત શર્માને અંગૂઠામાં ઇજા પહોંચી હતી. જેના કારણે તેને પ્રથમ વન-ડે અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. હવે બીસીસીઆઈએ જણાવ્યું કે તે ઇજામાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. બીજી તરફ નવદીપ સૈની પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
રોહિત શર્મા મેડિકલ ટીમની દેખરેખમાં
મેડિકલ ટીમનું માનવું છે કે ઇજાને સંપૂર્ણ રીતે ઠીક થવામાં હજુ વધારે સમય લાગશે. તે સંપૂર્ણ રીતે બેટિંગ અને ફિલ્ડિંગ કરી શકે તે માટે પોતાનું રિહેબિલિટેશન યથાવત્ રાખશે અને બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે નહીં. જ્યારે નવદીપ સૈની પણ સ્નાયુઓમાં ખેંચાણના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ફાસ્ટ બોલર પોતાની ઇજા અંગે એનસીએને રિપોર્ટ કરશે.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા બીજા સ્થાને પહોંચી
કેટલાક દિવસોથી અટકળો હતી કે રોહિત શર્મા બીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે. જેથી ટીમ મેનેજમેન્ટ એ ધર્મસંકટમાં હતું કે અંતિમ ઇલેવનમાંથી કોને બહાર બેસાડવો. જોકે હવે રોહિત શર્મા ઇજાને કારણે બહાર થઇ જતા ટીમ મેનેજમેન્ટ આ સંકટમાંથી બહાર આવી ગયું છે. પ્રથમ ટેસ્ટમાં બેટ્સમેનો સાથે બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે કોઇ ખેલાડીને બહાર કરવાનો નિર્ણય આસાન ન હતો. ભારતે પ્રથમ ટેસ્ટમાં 188 રને વિજય મેળવ્યો હતો. જેમાં શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. પૂજારાએ પણ સદી ફટકારી હતી.
બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.