IND vs BAN Test: ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે ગુરુવારથી શરુ થયેલ 1લી ટેસ્ટ મેચમાં બીજા દિવસે સવારના સેશનમાં ભારતનો પ્રથમ દાવ 376 રનમાં પૂર્ણ થતાં બાંગ્લાદેશ બેટીંગમાં ઉતર્યું હતું. જોકે ભારતીય ફાસ્ટ બોલર્સની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશી ઓપનર્સ ટકી શક્યા ન હતા. જસપ્રીત બુમરાહ, આકાશ દીપ, સિરાજ અને જાડેજા અસરકારક સાબિત થયા છે. ભારતીય બોલર્સની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશ ટકી શક્યું નહીં અને 149 રનમાં ટીમ ઓલ આઉટ થઇ છે. 227 રનની લીડ સાથે ભારત આગળ છે. ભારત બીજા દાવમાં મેદાનમાં ઉતર્યું પરંતુ ફરી એકવાર રોહિત શર્મા માત્ર 5, યશસ્વી જયસ્વાલ 10 અને વિરાટ 17 રન બનાવી સસ્તામાં આઉટ થયા છે.
ભારત બીજો દાવ, 3 વિકેટ 81 રન
બાંગ્લાદેશને 47.1 ઓવરમાં 149 રનમાં ઓલ આઉટ કર્યા બાદ ભારતે બીજા દાવની બેટીંગ શરુ કરી. પરંતુ પ્રથમ ઇનિંગની જેમ બીજા દાવમાં પણ ભારતની શરુઆત નબળી રહી. રોહિત શર્મા માત્ર 5 રન બનાવી તસ્કીન અહેમદની ઓવરમાં ઝાકીર હસનના હાથમાં કેચ આઉટ થયો. એ પછી યશસ્વી જયસ્વાલ પણ માત્ર 10 રન બનાવી નાહિદ રાણાના બોલ પર લિટન દાસના હાથમાં ઝડપાયો. વિરાટ કોહલી પણ માત્ર 17 રન બનાવી હસન મિરાઝની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો.
જસપ્રીત બુમરાહ સામે બાંગ્લાદેશ ઢેર
ભારતીય પ્રથમ દાવ 376 રનમાં સમેટાયા બાદ દાવ લેવા મેદાનમાં ઉતરેલ બાંગ્લાદેશની ટીમ જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજા સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ છે. જસપ્રીત બુમરાહ 4 વિકેટ લઇ ગયો છે. આકાશ દીપ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને બે બે વિકેટ મળી છે. ભારતીય બોલર્સે 47.1 ઓવરમાં બાંગ્લાદેશની ટીમને પવેલિયન ભેગી કરી દીધી છે.
ટોસ જીતી બાંગ્લાદેશે ભારતને પ્રથમ દાવ આપ્યો હતો. મેચમાં શરુઆતથી જ બાંગ્લાદેશ હાવી જોવા મળ્યું હતું. ભારતે શરુઆતની ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જોકે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ઐતિહાસિક અને સ્ફોટક બેટીંગને લીધે ભારત પ્રથમ દિવસના અંત સુધીમાં 6 વિકેટ પર 339 રન સુધી પહોંચી શક્યું હતું. બીજા દિવસે મેચ આગળ વધતાં ભારતીય ટીમ 376 રનમાં ઓલ આઉટ થયું હતું.
બાંગ્લાદેશ યુવા ફાસ્ટ બોલર મહમૂદ હસન અસરકારક સાબિત થતાં ભારતીય બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યા ન હતા. શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થતાં ભારતે 34 રનમાં 3 વિકેટ ગુમાવી હતી.
જોકે ઋષભ પંત અને જયસ્વાલ સારી બેટીંગ કરતાં ભારત મેચમાં બની રહ્યું હતું. બાદમાં અશ્વિન અને જાડેજાએ પોતાનું કૌવત બતાવતાં ભારત મજબૂત સ્થિતિમાં આવ્યું હતું. અશ્વિને પોતાના કરિયરની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી.
આ પણ વાંચો – અશ્વિન જાડેજાએ તોડ્યો રેકોર્ડ
બીજા દિવસે રમત આગળ વધતાં ભારત 376 રનમાં સમેટાયું હતું. રવિચંદ્રન અશ્વિન 113 રન અને જાડેજાએ 86 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 56, ઋષભ પંત 39 અને કે એલ રાહુલ 16 રન બનાવી આઉટ થયા હતા.





