IND vs ENG First Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન ઋષભ પંતે સ્પષ્ટ કરી દીધું હતું કે આ ટેસ્ટ શ્રેણીમાં નંબર 3, 4 અને 5 પર કોણ બેટિંગ કરશે. આ ટેસ્ટ શ્રેણી પહેલા સૌથી વધુ ચર્ચા ભારતીય બેટિંગ ક્રમની છે અને પંતે તેના પરથી પડદો ઉઠાવ્યો હતો.
શુભમન ગિલ ચોથા નંબર પર બેટિંગ કરશે
ઋષભ પંતે કહ્યું કે ત્રીજા નંબર પર કોણ બેટિંગ કરશે તેની ચર્ચા ચાલી રહી છે અને આના પર કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ નંબર 4 પર હવે કેપ્ટન શુભમન ગિલ બેટિંગ કરશે જ્યારે હું અત્યારે 5 નંબર પર બેટિંગ કરીશ. એટલે કે પંતના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ટેસ્ટમાં વિરાટ કોહલીની જગ્યાએ શુભમન ગિલ ચોથા નંબર પર બેટિંગ કરશે, જ્યારે પંત પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવશે. આ ઉપરાંત પંતે કહ્યું કે અન્ય બેટીંગ ઓર્ડર અને ટીમ કોમ્બિનેશન અંગે ચર્ચા થઈ રહી છે.
અમારા માટે હવે આ નવી શરૂઆત છે
પંતે ટીમમાં પોતાની ભૂમિકા અંગે કહ્યું કે હું ટીમને બેટિંગ, ફિલ્ડિંગ કે કીપિંગમાં દરેક જગ્યાએ સંપૂર્ણ સહયોગ આપી શકું અને હું આ વિચાર સાથે રમું છું. મારી વિચારસરણી આ શ્રેણીમાં પણ એવી જ રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. પંતે ટીમમાં કોહલી, રોહિતની ગેરહાજરી અંગે વાત કરતા કહ્યું કે અમારા માટે હવે આ નવી શરૂઆત છે કારણ કે ઘણા મોટા ખેલાડીઓ હવે ટીમનો ભાગ રહ્યા નથી. તેમના જવાથી ગેપ તો હશે પણ હવે અમારી સામે પડકાર એ છે કે ટીમને કેવી રીતે આગળ વધારવી.
પંતે કહ્યું કે એક ટીમ તરીકે અમારું લક્ષ્ય આગળ વધવાનું છે અને પાછળ શું થયું તે વિશે વાત કરવાનું નથી. અમારું લક્ષ્ય ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરવાનું છે. આ સમયે અમારું લક્ષ્ય અમારી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
આ પણ વાંચો – શુભમન ગિલ વિ વિરાટ કોહલી, 32 ટેસ્ટ મેચ પછી ‘કિંગ’ અને ‘પ્રિન્સ’ માંથી કોણ છે આગળ!
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર પંતે જણાવ્યું હતું કે તેનાથી સમગ્ર દેશ દુખી થયો છે. આ ઘટના બાદ અમે એક ક્રિકેટર તરીકે અમે ભારતને કેટલી ખુશી આપી શકીએ અમે તેનો શક્ય તેટલો પુરતો પ્રયાસ કરીશું.
પહેલી ટેસ્ટ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 20 થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લી ખાતે રમાશે અને મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે થશે
લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં દેખાશે?
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત પ્રથમ ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે. ભારતમાં ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશે
હવામાન રિપોર્ટ
બીબીસી અનુસાર લીડ્સમાં હવામાન – જે યુનાઇટેડ કિંગડમના ઉત્તરી ગોળાર્ધમાં આવેલું છે અને આ મહિનાઓ દરમિયાન સામાન્ય રીતે ખૂબ ઠંડુ રહે છે. ટેસ્ટના પહેલા ત્રણ દિવસ દરમિયાન તડકો રહેવાની ધારણા છે, જેમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે. જોકે ટેસ્ટના છેલ્લા બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી ઘટી જશે, જેમાં થોડો વરસાદ પણ પડશે તેવી આગાહી છે.
હેડિંગ્લે પિચ રિપોર્ટ
હેડિંગ્લી વિશ્વના શ્રેષ્ઠ ટેસ્ટ મેદાનોમાંથી એક છે. તે ઐતિહાસિક રીતે બેટિંગ માટે અનુકૂળ રહ્યું છે. પરંતુ સ્પિનરો ટેસ્ટના ઉત્તરાર્ધમાં ફાયદામાં રહે છે. જો પરિસ્થિતિ (હવામાન) અનુકૂળ હોય તો આ સપાટી પર ફાસ્ટ બોલરો પણ ઘાતક બની શકે છે.
પ્રથમ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ , સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર , ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ , જસપ્રીત બુમરાહ , પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ , બેન સ્ટોક્સ (કેપ્ટન), ક્રિસ વોક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.