IND vs ENG 2nd Test Match Pitch Report: ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ, શું વિશાખાપટ્ટનમમાં પ્રથમ દિવસથી જ બોલ થશે ટર્ન?

IND vs ENG 2nd Test : ભારત પાંચ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી પાછળ છે. આવા સમયે બધાની નજર એ વાત પર ટકેલી છે કે ભારતીય ટીમ આ વખતે કેવી પિચ બનાવશે

Written by Ashish Goyal
Updated : February 01, 2024 17:42 IST
IND vs ENG 2nd Test Match Pitch Report: ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ, શું વિશાખાપટ્ટનમમાં પ્રથમ દિવસથી જ બોલ થશે ટર્ન?
ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા (તસવીર - બીસીસીઆઈ સ્ક્રીનગ્રેબ)

વેંકટ કૃષ્ણા બી : 2021માં જ્યારે ઈંગ્લેન્ડ 1-0થી આગળ હતું ત્યારે ભારતીય ટીમે રેન્ક ટર્નરનો સહારો લીધો. બધાની નજર એ વાત પર ટકેલી છે કે ભારતીય ટીમ આ વખતે કેવી પિચ બનાવશે. વિશાખાપટ્ટનમમાં શુક્રવાર (2 ફેબુ્રઆરી)થી શરુ થઈ રહેલી બીજી ટેસ્ટની પિચની વાત કરીએ તો અહીં પણ હૈદરાબાદ જેવી સ્લો ટર્નર હશે. પ્રથમ ટેસ્ટની પિચ પ્રથમ દિવસથી જ ટર્ન થઈ રહી હતી, બીજી ટેસ્ટમાં ભાગ્યે જ આવું થાય.

દરિયાકિનારો હોવાને કારણે વિશાખાપટ્ટનમનું તાપમાન હૈદરાબાદની સરખામણીમાં વધુ ગરમ રહેશે. પિચ મોટાભાગનો સમય કવર હેઠળ રહી હતી. પછી તેને પાણી આપવામાં આવ્યું હતું અને ભારે રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘાસનું થોડું લેયર છે પણ તેનાથી બ્રાઉન દેખાતી પિચ પર કોઈ ફરક પડવાનો નથી. દેશના મોટાભાગના વિસ્તારોની જેમ, તે પણ કાળી માટીની પીચ છે.

શાર્પ ટર્ન જોવા મળશે નહીં

ટેસ્ટના બે દિવસ પહેલા તેને પાણી આપવાનો અર્થ એ છે કે તે વધુ ઉખડશે નહીં અને શાર્પ ટર્ન જોવા મળશે નહીં. ભારતીય ટીમના પ્રથમ પ્રેક્ટિસ સેશન માટે અહીં પહોંચ્યા બાદ તરત જ 22 યાર્ડની પટ્ટી પર નજર નાખનારા બેટિંગ કોચ વિક્રમ રાઠૌરે કહ્યું હતું કે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ટર્ન જોવા મળશે, કદાચ પહેલા દિવસથી નહીં હોય, પરંતુ બાદમાં તે ટર્ન લેશે.

ગત વખત ટર્નિંગ પિચનો વિકલ્પ પસંદ કર્યો હતો

વર્ષ 2021માં પ્રથમ ટેસ્ટ ફ્લેટ પિચ પર થઈ હતી. આ મેચ પાંચ દિવસ સુધી ચાલી હતી અને ભારતને ચેન્નાઈમાં હારનો સામનો કરવો પડયો. આ પછી વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે આગામી ત્રણ ટેસ્ટ ત્રણ દિવસની અંદર પુરી કરી હતી. આ માટે તેણે ટર્નિંગ પિચનો વિકલ્પ પસંદ કર્યો હતો. અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ બે દિવસ સુધી ચાલી હતી. આ વખતે ભારતે પરંપરાગત ભારતીય ટ્રેકને વળગી રહેવાનો નિર્ણય લીધો છે, જે ક્યારેક સ્લો ટર્ન લે છે.

વિશાખાપટ્ટનમમાં બે ટેસ્ટ રમાઇ છે

વિશાખાપટ્ટનમે બે ટેસ્ટ મેચની યજમાની કરી છે. બેટ અને બોલ વચ્ચે તેમાં સારી સ્પર્ધા રહી છે. સાઉથ આફ્રિકા સામેની ગત ટેસ્ટ પૂરા પાંચ દિવસ સુધી ચાલી હતી. સખત આઉટફિલ્ડ અને પિચ ઉપર અને નીચે થવાને કારણે ફાસ્ટ બોલરો પણ રમતમાં બન્યા રહ્યા હતા. છેલ્લા દિવસે સ્પિનરો કરતાં મોહમ્મદ શમીનો રિવર્સ સ્વિંગ સાઉથ આફ્રિકા માટે વધુ નુકસાનકારક સાબિત થયો. તેથી માત્ર એક ઝડપી બોલરને રમાડવો જોખમી બની શકે છે.

આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ : બ્રેન્ડન મેક્કુલમનો વિશાખાપટ્ટનમમાં ટર્નિંગ પીચ બનાવવા ભારતને પડકાર

રેન્ક ટર્નર પિચ ન હોવાનું કારણ બેટિંગ

બીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા ઉત્કૃષ્ટ સ્પિનરો રેન્ક ટર્નર પર ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યારે ભારતે આવી પિચ પસંદ કરી તેનું કારણ મહદ્ અંશે બિનઅનુભવી બેટીંગ લાઈનઅપ છે. રોહિત શર્મા બાદ ટોપ ઓર્ડરમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી અશ્વિન છે, જેણે હૈદરાબાદમાં 8માં નંબર પર બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયરે કુલ મળીને 39 ટેસ્ટમાં 2,229 રન ફટકાર્યા છે. તેઓ ટર્નિંગ પિચો પર ખાસ સહજ લાગતાં ન હતા, જે ચિંતાનું કારણ છે.

રાહુલની જગ્યાએ પાટીદાર

ભારતીય ટીમમાં પહેલાથી જ વિરાટ કોહલી નથી. હવે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ભારતે બીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા બે મજબૂરીથી ફેરફારો કરવા પડશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં 45.97ની એવરેજ ધરાવતા રજત પાટીદારને ગત સપ્તાહે ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદીને આધારે ટેસ્ટમાં તક મળી હતી. તે રાહુલનું સ્થાન લઈ શકે છે, પણ જાડેજાના સ્થાને ટીમમાં સામેલ થવું એટલું આસાન નથી. તે કુશળ બોલર હોવા ઉપરાંત મિડલ ઓર્ડરમાં બેટિંગને મજબૂત બનાવે છે.

વોશિંગ્ટન સુંદર અથવા કુલદીપ યાદવ

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની યોજનાઓમાં વોશિંગ્ટન સુંદર છે. નેટ સેશન શરુ થયા બાદ તરત જ હેડ કોચ રાહુલ દ્રવિડ તેને શોધી રહ્યા હતા ત્યારે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી. આ ઓલરાઉન્ડર થોડા સમય બાદ આવ્યો હતો અને સીધો જ નેટ પર પહોંચ્યો હતો. જાડેજા ઈંગ્લેન્ડ સામેની આખરી શ્રેણીમાં રમ્યો ન હતો. પછી તત્કાલીન ટીમ મેનેજમેન્ટ વોશિંગ્ટનને તક આપી હતી. ચારમાંથી ત્રણ ટેસ્ટમાં કુલદીપ કરતાં તેને પહેલા કરવામાં આવ્યો હતો. તે તેની છેલ્લી ટેસ્ટ હતી, જેમાં તેણે અણનમ 96 રન ફટકાર્યા હતા.

બીજી ટેસ્ટમાં બેટિંગ પર ભાર કે 3 સ્પેશિયાલિસ્ટ સ્પિનરો

જોકે એક સ્પિનર તરીકે તે કુલદીપ કરતાં આગળ હોય તેવી શક્યતા નહિવત્ છે, કારણ કે સ્લો ટર્નર પર ચાઇનામેન બોલર વેરિએશનને કારણે અસરકારક સાબિત થશે. પ્રથમ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તે કુલદીપથી પ્રભાવિત છે, પરંતુ બેટિંગમાં ઊંડાણ માટે તે અક્ષર પટેલ સાથે ગયા હતા. અત્યારે બેટિંગની સમસ્યા છે. ભારતને બેટિંગમાં ડેપ્થ જોઈએ છે કે પછી 3 સ્પેશિયાલિસ્ટ સ્પિનરો પર આધાર રાખે છે, તે જોવાનું રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ