India vs England 3rd Test Day 1 Cricket Score updates : રોહિત શર્મા (131)અને રવિન્દ્ર જાડેજાની (અણનમ 110) સદી અને ડેબ્યૂ પ્લેયર સરફરાઝ ખાનની અડધી સદીની (62)મદદથી ભારતે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની પકડ મજબૂત બનાવી છે. રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે 86 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવી લીધા છે રવિન્દ્ર જાડેજા 110 અને કુલદીપ યાદવ 1 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 અને ટોમ હાર્ટલીએ 1 વિકેટ ઝડપી હતી.

રાજકોટમાં રમાય રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્લેઇંગ 11માં 4 ફેરફાર કરવામાં આવ્યા છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે ડેબ્યૂ કર્યું છે. આ સિવાય અક્ષર પટેલના સ્થાને રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ હતી. મુકેશ કુમારની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી છે.
રોહિતે ઈંગ્લેન્ડ સામે તેની ત્રીજી ટેસ્ટ સદી ફટકારી
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં તેની 11મી સદી પૂરી કરી હતી. આ તેની ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને રાજકોટમાં પ્રથમ ટેસ્ટ સદી છે. રોહિતે 7 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. આ પહેલા જુલાઈ 2023માં તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.





