/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Devdutt-Padikkal-Sarfaraz-Khan.jpg)
ડેબ્યૂ કરનાર દેવદત્ત પડિક્કલ અને સરફરાઝ ખાને અડધી સદી ફટકારી હતી (BCCI)
IND vs ENG 5th Test : ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના 218 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 120 ઓવરમાં 8 વિકેટે 473 રન બનાવી લીધા છે. ભારતે 255 રનની લીડ મેળવી લીધી છે અને તેની 2 વિકેટો બાકી છે. ધર્મશાળામાં ભારતના ટોચના ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી છે જે છેલ્લા 15 વર્ષમાં મેળવી નથી.
ભારતના ટોપ 5 બેટ્સમેનોએ ફટકારી અડધી સદી
ભારતની પ્રથમ ઇનિંગ્સમાં ટોપ 5 બેટ્સમેને 50થી વધુ રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 57 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 103 અને શુભમન ગિલે 110 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે સરફરાઝ ખાને 56 રન બનાવ્યા હતા. ભારતના ટોચના પાંચેય બેટ્સમેનોએ ઓછામાં ઓછી અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો - રોહિત શર્માની ડબલ ધમાલ, શુભમન ગિલે સદી ફટકારી આઠ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
15 વર્ષ પછી આવો નજારો જોવા મળ્યો
આ સાથે વર્ષ 2009 બાદ પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ટેસ્ટ મેચની ઈનિંગ્સમાં ટોચના પાંચ ભારતીય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હોય. આ પહેલા છેલ્લે 2009માં ભારતે શ્રીલંકા સામે મુંબઈમાં ટેસ્ટ મેચ દરમિયાન આવી સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં મુરલી વિજયે 87, વીરેન્દ્ર સહેવાગે 293, રાહુલ દ્રવિડે 74, સચિન તેંડુલકરે 53 અને વીવીએસ લક્ષ્મણે 62 રન બનાવ્યા હતા.
1998માં આવું પહેલીવાર બન્યું હતું
આ સાથે જ ભારતીય બેટ્સમેનોએ આવી સિદ્ધિ ચોથી વખત મેળવી છે. સૌથી પહેલા ભારતીય ખેલાડીઓએ 1998માં ઓસ્ટ્રેલિયા સામેની કોલકાતા ટેસ્ટમાં આ કમાલ કર્યો હતો. 1999માં ન્યૂઝીલેન્ડ સામેની મોહાલી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ આવી સિદ્ધિ મેળવી હતી.
શુભમન ગિલે શ્રેણીમાં ચાર વખત 50+ સ્કોર બનાવ્યો
શુભમન ગિલે આ શ્રેણીમાં ચાર વખત 50+ સ્કોર બનાવ્યો છે, જેમાં બે સદી પણ સામેલ છે. આવું ઘરેલુ શ્રેણીમાં 8 વર્ષ પછી બન્યું છે જ્યારે ત્રીજા નંબરે બેટિંગ કરનાર ખેલાડીએ ચાર વખત 50+ રન બનાવ્યા હતા. ગિલે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં 443 રન બનાવ્યા છે. સાત વર્ષ પછી એવું બન્યું છે જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ કરતા ખેલાડીએ ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં 400 થી વધુ રન બનાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us