Mohammed Siraj: ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ ઓવરમાં 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરુર હતી અને ભારતને 4 વિકેટની જરુર હતી. પાંચમાં દિવસે મોહમ્મદ સિરાજે 3 વિકેટ અને ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી હતી. મેચમાં કૂલ 9 વિકેટ ઝડપી સિરાજ મેચનો હીરો રહ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
જીત પછી મોહમ્મદ સિરાજે કહ્યું – પોતાના પર વિશ્વાસ હતો
પાંચમી ટેસ્ટમાં વિજય પછી મોહમ્મદ સિરાજે કહ્યું કે હું સવારે ઉઠ્યો અને મારા ફોન પર ગુગલ ચેક કર્યું. આ પછી મેં બિલીવ ઇમોજી વોલપેપર કાઢ્યું અને પોતાને કહ્યું કે હું દેશ માટે આ કરીશ. મારો એક જ પ્લાન હતો કે બોલને યોગ્ય જગ્યાએ ફેંકવાનો છે. તેનાથી કોઇ કરક પડતો નથી કે વિકેટ મળે કે રન જાય. ગુમાવવામાં આવે તેનાથી કોઈ ફરક પડતો નથી.
રવિવારે ચોથા દિવસે 19 રનના સ્કોર પર સદી ફટકારનાર હેરી બ્રુકનો કેચ છોડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિરાજે કહ્યું કે જ્યારે મેં બોલ પકડ્યો ત્યારે મને લાગ્યું ન હતું કે હું બાઉન્ડ્રીને અડી જઇશ. આ મેચ બદલનારી ક્ષણ હતી. બ્રુક ટી 20 શૈલીમાં બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ મને હંમેશા મારા પોતાના પર વિશ્વાસ હતો કે હું ટીમને જીત અપાવી શકીશ.
આ પણ વાંચો – ભારતે ઓવલમાં વિજયી ધ્વજ લહેરાવ્યો, ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની
આ દરમિયાન જ્યારે મોહમ્મદ સિરાજને લોર્ડ્સમાં જાડેજા સાથે છેલ્લી વિકેટ માટે બેટિંગ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિરાજે કહ્યું કે જડ્ડુ ભાઈએ બેટના મધ્ય ભાગથી રમવાનું કહ્યું હતું અને એક બીજી વાત કહી હતી કે તમારા પિતા વિશે વિચારો જે આટલી મહેનત કરીને અહીં પહોંચ્યા છો.
સિરાજે શ્રેણીમાં 23 વિકેટ ઝડપી
સિરાજે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેણીમાં સૌથી વધારે કુલ 23 વિકેટ ઝડપી હતી. બેસ્ટ પ્રદર્શન 70 રનમાં 6 વિકેટ રહ્યું હતું. બુમરાહ ફક્ત ત્રણ જ ટેસ્ટ રમ્યો હતો. જેથી સિરાજ પણ વધારે ભાર હતો. તેણે શ્રેણીમાં 185.3 ઓવર બોલિંગ કરી હતી.
સિરાજે ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 41 મેચમાં 123 વિકેટ ઝડપી છે. બેસ્ટ બોલિંગ પ્રદર્શન 15 રનમાં 6 વિકેટ છે. પાંચ વખત પાંચ વિકેટ ઝડપી છે.