India vs England 5th Test : ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં ઓલરાઉન્ડર્સને પ્રાધાન્ય આપવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું છે કે મેચ જીતવા માટે 20 વિકેટ ઝડપવી જેટલી જરુરી છે તેટલું જ જરુરી મોટો સ્કોર બનાવવાનું પણ છે.
ભારતનો પ્રમુખ સ્પિનર કુલદીપ યાદવ શ્રેણી દરમિયાન બેન્ચ પર બેસી રહ્યો છે કારણ કે ટીમે વિકેટ ઝડપનારને બદલે ઓલરાઉન્ડને પ્રાધાન્ય આપ્યું હતું. શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડી આ શ્રેણીની મેચોમાં ભારતના આઠમા ક્રમના બેટ્સમેન રહ્યા છે. શાર્દુલે ઓલ્ડ ટ્રેફોર્ડમાં 11 ઓવર નાંખી હતી અને પ્રથમ ઈનિંગમાં 41 રનની મહત્વની ઈનિંગ રમી હતી.
પાંચમી ટેસ્ટ મેચમાં આ જ સંયોજન સાથે ઉતરે તેવો સંકેત
સિતાંશુ કોટકના જવાબથી લાગ્યું કે ટીમ ગુરુવારથી શરૂ થનારી પાંચમી ટેસ્ટ મેચમાં આ જ સંયોજન સાથે ઉતરશે. તેમણે કહ્યું કે મેચ જીતવા માટે તમારે બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન જરૂરી છે. જેવી રીતે 20 વિકેટ ઝડપવી મહત્વની છે તેવી જ રીતે 550-600 રન બનાવવા પણ એટલા જ મહત્વના છે.
ટીમમાં સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે
સિતાંશુ કોટકે કહ્યું કે અમે એજબેસ્ટનમાં જીત્યા હતા કારણ કે અમે ઘણા બધા રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. જો કેપ્ટન, કોચ અને ટીમ મેનેજમેન્ટને લાગતું હોય કે બોલરને વધારવો ફાયદાકારક રહેશે તો તેઓ તેમ કરશે.
આ પણ વાંચો – ઓવલમાં ગૌતમ ગંભીરને આવ્યો ક્યૂરેટર પર ગુસ્સો, સિતાંશુ કોટકે હસ્તક્ષેપ કરી માહોલ શાંત કર્યો, જુઓ VIDEO
શાર્દુલ ઠાકુરને ઓછી ઓવરો કેમ મળી?
બેટીંગ કોચે કહ્યું કે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરના રુપમાં બે સ્પિન ઓલરાઉન્ડર હોવાથી શાર્દૂલ જેવા છઠ્ઠા બોલિંગ વિકલ્પને ઓછી ઓવરો મળે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે જ્યારે તમે પાંચ બોલરો સાથે રમો છો, ત્યારે બધા બોલરો લગભગ સમાન ઓવરો ફેંકે છે. પરંતુ છ બોલરો સાથે રમતી વખતે કેટલાક બોલરોને ઓછી ઓવરો મળશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે છઠ્ઠો બોલર ઓલરાઉન્ડર છે, તો પછી તમે જાણો છો કે તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ફાળો આપશે.