India vs England, IND vs ENG 1st Test Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીને ગુરુવારથી હૈદરાબાદના ઉપલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે પરેશાનીનું કારણ વિરાટ કોહલીની ગેરહાજરી છે. વ્યક્તિગત કારણોસર તે પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે નહીં. તેના સ્થાને નંબર-4 પર કોણ બેટિંગ કરશે તે એક મોટો સવાલ છે. ઈંગ્લેન્ડને મિડલ ઓર્ડરમાં હેરી બ્રુકના વિકલ્પની તલાશ રહેશે. આ 24 વર્ષીય ખેલાડીએ ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં સારો દેખાવ કર્યો છે.
આ શ્રેણી ભારતમાં રમાવાની છે અને ટર્નિંગ વિકેટને કારણે સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બની રહેશે. ભારતીય ટીમના પ્લેઇંગ 11 માં 3 સ્પિનર નક્કી છે. ટીમમાં રવિચંદ્રન અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ રહેશે. આ સિવાય જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આ બે ફાસ્ટ બોલર રહેશે. બેટિંગની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.
કેએસ ભરત વિકેટકીપિંગ કરશે
શુભમન ગિલે નંબર-3 પર પોતાની યોગ્યતા સાબિત કરવી પડશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરને તક મળશે. કોહલી હતો ત્યારે ઐયરને બહાર બેસવું પડતું હતું. કે.એસ.ભરત વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે તે નક્કી છે. કોચ રાહુલ દ્રવિડ અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેન તરીકે રમશે. સાઉથ આફ્રિકામાં તેણે વિકેટકીપિંગ કરી હતી. ધ્રુવ જુરેલ પણ એક વિકલ્પ છે. જોકે ભરતને પહેલી તક મળી શકે છે.
ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમમાં જેમ્સ એન્ડરસન અને જો રુટ જેવા અનુભવી ખેલાડીઓ છે. આ ઉપરાંત ટોમ હાર્ટલે અને શોએબ બશીર જેવા યુવા ખેલાડીઓ પણ છે. ઈંગ્લેન્ડનો વાઈસ કેપ્ટન ઓલી પોપ અને જેક લીચ ઈજામાંથી સાજો થયા બાદ ટીમમાં પાછા ફર્યા છે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો એન્ડરસન સિવાય ઓલી રોબિનસન, માર્ક વુડ અને ગુસ એટકિંસન છે. બેન ફોક્સની પણ ટીમમાં વાપસી થઇ છે. આ પછી પણ જોની બેયરસ્ટો વિકેટકિપિંગ કરતો જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કે.એસ.ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ 11
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો (વિકેટકીપર), રેહાન અહમદ, જેક લીચ, માર્ક વૂડ, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.