Who Is Prithi Narayanan : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાઇ રહેલી પાંચમી ટેસ્ટ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ બની હતી. અશ્વિનને આ સિદ્ધિ બદલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ સ્પેશ્યલ કેપ એનાયત કરવામાં આવી હતી. અશ્વિનને મેદાનમાં ઉતરતી વખતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. અશ્વિનની 100મી ટેસ્ટ મેચ દરમિયાન તેની પત્ની પ્રીતિ નારાયણની ચર્ચા સોશિયલ મીડિયા પર ઘણી થઇ રહી છે.
સ્કૂલથી અશ્વિન-પ્રીતિ એકબીજાને ઓળખે છે
પ્રીતિ નારાયણ અશ્વિનની પત્ની છે. બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. જોકે તેઓ સ્કૂલના દિવસોથી જ એકબીજાને ઓળખે છે. જોકે ત્યારે તેઓએ એકબીજા સાથે વાત પણ કરી ન હતી. લાંબા સમય બાદ બંને વચ્ચે મિત્રતા થઇ ગઇ અને ડેટ કરવા લાગ્યા હતા.
પ્રીતિ એન્જિનિયર છે
અશ્વિન અને પ્રીતિ એક જ સ્કૂલમાં ભણતા હતા. બંનેએ એન્જિનિયરિંગ કર્યું છે. પ્રીતિએ ચેન્નઈની એસએસએન કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. ત્યાંથી આઈટીમાં બીટેક કર્યું છે. તે હાલમાં જોબ કરતી નથી અને હોમ મેકર છે. તે બંને દીકરીઓનું ધ્યાન રાખે છે. અશ્વિન તેની સફળતાનો શ્રેય તેની પત્ની પ્રીતિ નારાયણને આપે છે. ગુરુવારે અશ્વિનને ટેસ્ટ કેપ આપવામાં આવી ત્યારે પ્રીતિ હાજર રહી હતી.
આ પણ વાંચો – અશ્વિન 100 ટેસ્ટ રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બન્યો, 100 ટેસ્ટ રમનાર ઇન્ડિયન ખેલાડીઓની યાદી
અશ્વિનની સૌથી મોટી તાકાત પ્રીતિ નારાયણ છે
અશ્વિને 100મી ટેસ્ટ મેચના પ્રસંગે કહ્યું કે મારી પત્નીને ખબર ન હતી કે તે શું કરી રહી છે. તે તેમાં જોડાઈ ગઈ છે અને તે આજે મારી સાથે ઉભી છે. અમારે બે સુંદર બાળકો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી મારી મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. પ્રીતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ક્રિકેટને લઈને ટ્વિટ કરતી રહે છે. સાથે જ અશ્વિન જ્યારે પણ મેદાન પર સફળતા હાંસલ કરે છે તો તેને ચિયર કરવામાં તે સૌથી આગળ હોય છે. પ્રીતિ દરેક મહત્વપૂર્ણ મેચમાં અશ્વિનને ચિયર કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. અશ્વિનની 100મી ટેસ્ટ પર પ્રશંસકો પ્રીતિને પણ અભિનંદન આપી રહ્યા છે.





