IND vs ENG Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20મી જૂનથી પાંચ ટેસ્ટની શ્રેણી રમાવાની છે. વર્ષો પછી એવું થશે જ્યારે ભારતીય ટીમમાં વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં હોય. બન્નેએ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન યુવા શુભમન ગિલના હાથમાં છે. કેપ્ટનશિપ મામલે શુભમન ગિલની તુલના વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે કરવામાં આવી રહી છે.
શુભમન ગિલ કેપ્ટન તરીકે કેવો સાબિત થશે તે તો ભવિષ્યમાં ખબર પડશે. પરંતુ અત્યારે આપણે તેના બેટિંગને લઇને ચર્ચા ચોક્કસ કરી શકીએ છીએ. શુભમન ગિલ અત્યાર સુધીમાં 32 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાંથી તેણે 17 ટેસ્ટ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી છે. જોકે હાલની ટીમને જોતા તે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે તેમ મનાય છે.
શુભમન ગિલે ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શુભમન ગિલે અત્યાર સુધીમાં 32 ટેસ્ટ મેચની 59 ઇનિંગ્સમાં 35.05ની એવરેજથી 1893 રન બનાવ્યા છે, તે 5 વખત અણનમ રહ્યો છે. તેણે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 128 રન છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 210 ફોર અને 31 સિક્સર ફટકારી છે.
વિરાટ કોહલીએ 32 ટેસ્ટમાં 2354 રન બનાવ્યા હતા
વિરાટ કોહલીની વાત કરીએ તો જૂન 2011માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વિરાટ કોહલીએ ડિસેમ્બર 2014 સુધીમાં 32 ટેસ્ટ રમ્યો હતો. વિરાટ કોહલીએ 32 ટેસ્ટ મેચની 57 ઇનિંગ્સમાં 44.41ની એવરેજથી 2354 રન બનાવ્યા હતા, જેમાં 4 વખત અણનમ રહ્યો હતો. જેમાં તેણે 9 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 32 ટેસ્ટ મેચમાં 278 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે આખરે મૌન તોડ્યું, આ કારણે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાથી કર્યો ઇન્કાર
તમામ ટીમો સામે ગિલનો રેકોર્ડ આવો છે
શુભમન ગિલે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે ઈંગ્લેન્ડ સામે 10 ટેસ્ટ મેચની 18 ઈનિંગમાં 37.00ની એવરેજથી 592 રન ફટકાર્યા છે. તેમાં 2 સદી અને 3 અડધી સદી પણ સામેલ છે. આ ઉપરાંત શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે 9, ન્યૂઝીલેન્ડ સામે 5, બાંગ્લાદેશ સામે 4 અને વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામે 2-2 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડમાં ફક્ત 14.66ની એવરેજ
શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામે 35.80ની એવરેજથી 537, ન્યૂઝીલેન્ડ સામે 32.40ની એવરેજથી 324, બાંગ્લાદેશ સામે 45.85ની એવરેજથી 321, વેસ્ટ ઇન્ડીઝ સામે 22.50ની એવરેજથી 45 અને સાઉથ આફ્રિકા સામે 18.50ની એવરેજથી 74 રન નોંધાવ્યા છે. શુભમન ગિલ અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં 3 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં તેણે 14.66ની એવરેજથી માત્ર 88 રન બનાવ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં તેણે 6 ટેસ્ટમાં 35.20ની એવરેજથી 352 રન બનાવ્યા છે.