IND vs ENG T20 World Cup 2024 Semi Final: ટી20 વર્લ્ડ કપ 2024 ભારત વિ ઈંગ્લેન્ડ સેમી ફાઇનલ મેચ ભારે રોમાંચક બનવાની છે. ભારત પાસે ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ 2022 ની કારમી હારનો બદલો લેવાનો મોકો છે. સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા ફુલ ફોર્મમાં છે. કેપ્ટન રોહિત શર્મા ઇન ફોર્મ છે અને અન્ય ખેલાડીઓ પણ પોતાનું સારુ પ્રદર્શન બતાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે બધાની નજર 27 જૂન ગુરુવાર સાંજે રમાનાર ભારત વિ ઈંગ્લેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ પર છે. ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હાલ ફોર્મમાં નથી એ એક ચિંતાનો વિષય છે.
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઇ રહેલ ટી20 વર્લ્ડ કપ 2024 અંતિમ તબક્કામાં છે. સુપર-8 મુકાબલો પૂર્ણ થયો છે અને હવે માત્ર બે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ બાકી છે. બંને સેમી ફાઇનલ મેચ 27 જૂન ગુરુવારે રમાશે. ભારતીય સમય અનુસાર સવારે 6 વાગે દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન અને સાંજે 8 વાગે ભારત વિ ઈંગ્લેન્ડ સેમી ફાઇનલ મેચ રમાશે.

ભારત પાસે ઈંગ્લેન્ડ સામે બદલો લેવાની તક
ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમી ફાઇનલનો બદલો લેવાનો ભારત પાસે મોકો છે. 2022 સેમી ફાઇનલમાં ભારતે આપેલા 169 રનનો ટારગેટ ઈંગ્લેન્ડે માત્ર 16 ઓવરમાં પૂર્ણ કરી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોશ બટલર અને એલેક્સ હેલ્સ સહિત ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથ ભારતની ભૂંડી હાર થઇ હતી. એ હારનો બદલો લેવાનો ભારત પાસે અવસર આવ્યો છે.
ટી20 વર્લ્ડ કપ 2024 માં ભારત મજબૂત
ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપ 2024 માં મજબૂત સ્થિતિમા છે. ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે અને ગ્રુપ-1 માં ટોચ પર રહી સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધી અજેય રહી છે. સુપર-8 મુકાબલામાં પણ ભારતે ત્રણેય મેચ જીતી છે. ભારતે સુપર-8 માં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: સેમી ફાઇનલ મેચ પર વરસાદી સંકટ
ટી20 વર્લ્ડ કપ ભારત વિ ઈંગ્લેન્ડ કાંટે કી ટક્કર
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ રેકોર્ડ ચકાસીએ તો બંને ટીમો બરોબર રહી છે. બંને વચ્ચે ચાર મેચ રમાઇ છે જેમાં બંને બે બે મેચ જીત્યા છે. જ્યારે ટી20 ક્રિકેટમાં ભારત વિ ઈંગ્લેન્ડ પ્રદર્શનની વાત કરીએ તો ભારતનું પલડું ભારે છે. ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 23 મેચ રમાઇ છે. જેમાં ભારત 12 મેચ જીત્યું છે અને ઈંગ્લેન્ડ 11 મેચ જીત્યું છે.

સેમી ફાઇનલ માટે ભારત અને ઈંગ્લેન્ડ સંભવિત પ્લેઇંગ 11
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ
ઈંગ્લેન્ડ : જોશ બટલર (કેપ્ટન અને વિકેટકિપર), ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો, હૈરી બ્રુક, લિયામ, મોઇન અલી, ક્રિસ જોર્ડન, સૈમ કરન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, રીસ ટોપ્લી





