India vs England 1st Test Match : વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં રમવાનો નથી. જેને લઇને વિરાટ કોહલીની ગેરહાજરી ટીમ માટે ચર્ચાનો વિષય બન્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરી 2024થી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાવાની છે. વિરાટ કોહલીએ વ્યક્તિગત કારણોસર શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બ્રેક લીધો છે.
આ દરમિયાન ખુલાસો થયો છે કે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીથી ભારતની જીત અને હારમાં ખાસ ફરક પડતો નથી. વિરાટ કોહલીએ જ્યારથી ડેબ્યૂ કર્યું છે ત્યારથી તે અત્યાર સુધી ભારત માટે માત્ર 13 ટેસ્ટ મેચમાં રમ્યો નથી. આ 13 ટેસ્ટ મેચોમાંથી 6 મેચમાં ભારતનો વિજય થયો છે, જ્યારે 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ ડ્રો રહી હતી.
20 જૂન 2011થી કોહલીના રહેતા ભારતનો સફળતાનો રેટ : 52.21 ટકા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 20 થી 23 જૂન 2011 દરમિયાન કિંગ્સ્ટનમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત આ જ મેચથી કરી હતી. ત્યાર બાદ તે અત્યાર સુધી 113 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાંથી ભારતે 59 ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો, જ્યારે 33માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 21 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. એટલે કે ટીમમાં રહેવા દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સક્સેસ રેટ 52.21 ટકા રહ્યો છે.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ : વિરાટ કોહલીનો વિકલ્પ કોણ? પ્રથમ ટેસ્ટની સંભવિત પ્લેઇંગ 11
20 જૂન 2011થી ભારતનો ઓવરઓલ સફળતા રેટ : 51.59 ટકા
ભારત 20 જૂન 2011થી અત્યાર સુધીમાં 126 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 65માં જીત મેળવી હતી, જ્યારે 38માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન 23 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એટલે કે ટીમમાં વિરાટ કોહલીની ગેરહાજરી દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સક્સેસ રેટ 51.59 ટકા હતો. બે સફળતાના દર વચ્ચે માત્ર 0.62%નો તફાવત છે, જે કોઈ પણ સંજોગોમાં વધુ પડતો કહી શકાય નહીં.
વિરાટ કોહલી જે ટેસ્ટ મેચોમાં રમ્યો નથી તેમાં ભારતનું પ્રદર્શન
- 21 જુલાઇ 2011 : લોર્ડ્સના મેદાન પર રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતનો 196 રને પરાજય થયો હતો.
- 29 જુલાઇ 2011 : ઇંગ્લેન્ડ સામે નોટિંઘમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતનો 319 રને પરાજય થયો હતો.
- 10 ઓગસ્ટ 2011 : બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતનો 242 રનથી પરાજય થયો હતો.
- 18 ઓગસ્ટ 2011 : ઓવલ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતનો ઇનિંગ્સ અને 8 રનથી પરાજય થયો.
- 06 નવેમ્બર 2011 : વેસ્ટ ઇન્ડિઝ સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો.
- 14 નવેમ્બર 2011 : ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં 15 રનથી વિજય મેળવ્યો.
- 25 માર્ચ 2017: ધર્મશાલામાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો.
- 14 જૂન 2018: ભારતે અફઘાનિસ્તાન સામે બેંગલુરૂમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 262 રનથી જીત મેળવી હતી.
- 26 ડિસેમ્બર 2020: મેલબોર્નમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો.
- 07 જાન્યુઆરી 2021 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
- 15 જાન્યુઆરી 2021: બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 3 વિકેટે વિજય થયો.
- 05 ફેબ્રુઆરી 2021: ઇંગ્લેન્ડ સામે ચેન્નાઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતનો 227 રને પરાજય થયો હતો.
- 03 જાન્યુઆરી 2022 : જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 7 વિકેટે પરાજય થયો.