India vs England Test : ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પરાજય પછી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી નથી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટમાં તેની ગેરહાજરીમાં ભારતીય ટીમને મોંઘી પડી હતી. હવે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અને કેએલ રાહુલને ક્વાડ્રિસેપ્સમાં દુખાવાને કારણે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. તેમના સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બીસીસીઆઈએ શું કહ્યું
બીસીસીઆઈ તરફથી જારી કરવામાં આવેલી સત્તાવાર પ્રેસ રિલીઝમાં આ ફેરફારની જાણકારી આપવામાં આવી છે. બોર્ડની રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, જાડેજા અને રાહુલ બંનેની રિકવરી પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે, પરંતુ બીજી ટેસ્ટ પહેલા તેમની રિકવરી ખૂબ જ મુશ્કેલ છે. તેથી આ બંને ખેલાડીઓ બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. જાડેજા અને રાહુલના સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી છે.
આ પણ વાંચો – ભારત વિ. ઇંગ્લેન્ડ : પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો 28 રને વિજય, પોપ અને હાર્ટલી ઝળક્યા
રવિન્દ્ર જાડેજાને બેન સ્ટોક્સે તેને બીજી ઇનિંગમાં રન આઉટ કર્યો હતો. આ દરમિયાન તે દોડતી વખતે દર્દમાં જોવા મળ્યો હતો. તેને હેમસ્ટ્રિંગની ઈજા છે. જાડેજા રન લેતી વખતે લંગડાતો જોવા મળ્યો હતો. જો રૂટના બોલ પર રન લેવાનો પ્રયાસ કરતી વખતે તે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેન સ્ટોક્સના ડાયરેક્ટ થ્રો દ્વારા રન આઉટ થયો હતો.
રાહુલ દ્રવિડે શું કહ્યું?
મેચ બાદ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે રવિન્દ્ર જાડેજાની ઈજાના સવાલ પર કહ્યું કે તેમને કોઇ જાણકારી નથી. તેમણે કહ્યું કે ઇમાનદારાથી કહું તો મને હજી સુધી ફિઝિયો સાથે વાતચીત કરવાની તક મળી નથી. એકવાર હું પાછો આવીશ, પછી હું તેની સાથે વાત કરીશ અને જોઈશ કે શું વાત છે. જો જાડેજાને અનફિટ જાહેર કરવામાં આવે તો આગામી મેચમાં કુલદીપ યાદવને તક મળી શકે છે.