ભારત VS ઈંગ્લેન્ડ ટેસ્ટ : રાજકોટથી આ ખેલાડી ડેબ્યૂ કરશે? રણજી ટ્રોફી ન રમનારાઓથી બોર્ડ નાખુશ

ભારત વિ. ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે, આ મેચમાં બુમરાહને આરામ આપવામાં આવી શકે છે, જ્યારે ધ્રુવ જુરેલ ડેબ્યૂ કરી શકે છે, તો જોઈએ રાજકોટ પીચ રિપોર્ટ.

Written by Kiran Mehta
Updated : February 12, 2024 11:50 IST
ભારત VS ઈંગ્લેન્ડ ટેસ્ટ : રાજકોટથી આ ખેલાડી ડેબ્યૂ કરશે? રણજી ટ્રોફી ન રમનારાઓથી બોર્ડ નાખુશ
ભારત વિ. ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ (ફોટો - બીસીસીઆઈ)

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર (15 ફેબ્રુઆરી) થી રાજકોટમાં રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના પ્લેઈંગ 11, પીચ રિપોર્ટ અને જસપ્રીત બુમરાહને આરામ આપવાને લઈને મોટી માહિતી સામે આવી છે. આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રણજી ટ્રોફી રમવાનો ઇનકાર કરનારા ખેલાડીઓથી નારાજ છે.

રજત પાટીદારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. રાજકોટમાં વધુ એક યુવા ખેલાડી ડેબ્યુ કરી શકે છે. જો આમ થશે તો આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ધ્રુવ જુરેલ હશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બીસીસીઆઈના એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ વિકેટકીપર કેએસ ભરતના પ્રદર્શનથી ખુશ નથી. 7 ટેસ્ટમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં જુરેલને તક મળી શકે છે.

ધ્રુવ જુરેલ પ્રતિભાશાળી ખેલાડી – રાજકોટથી ડેબ્યૂ કરી શકે છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું, “ભરતની બેટિંગ ખૂબ જ ખરાબ રહી છે. તેની કીપિંગ પણ બહુ સારી રહી નથી. તે તકોનો લાભ ઉઠાવતો નથી. બીજી તરફ જુરેલ પ્રતિભાશાળી ખેલાડી છે. તેની પાસે સારો દેખાવ અને ઉજ્જવળ ભવિષ્ય છે. તેણે IPL માં ઉત્તર પ્રદેશ, ભારત A અને રાજસ્થાન રોયલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. જો જુરેલ રાજકોટમાં ટેસ્ટ ડેબ્યુ કરે તો નવાઈ નહીં.

Dhruv Jurel
ઘ્રુવ જુરેલ (ફોટો – ઘ્રુવ જુરેલ ઈન્સ્ટાગ્રામ)

ભરત તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો

ઇશાન કિશન ટીમની બહાર થયા બાદ કેએસ ભરતના ટેસ્ટ સેટઅપમાં પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 2 ટેસ્ટ મેચોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે 23ની એવરેજથી 92 રન બનાવ્યા. તેની કારકિર્દીમાં તેણે 7 ટેસ્ટમાં 20.09ની એવરેજથી 221 રન બનાવ્યા છે. અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. જુરેલે 15 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 46.47ની એવરેજથી 790 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 5 અડધી સદી સામેલ છે. 22 વર્ષીય ખેલાડીએ ગયા મહિને અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે 50 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા A વિરૂદ્ધ 69 રનની ઇનિંગ રમી હતી. બંને ચાર દિવસીય મેચ હતી.

બુમરાહને રાંચીમાં આરામ આપવામાં આવી શકે છે

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “તેને રાંચીમાં ચોથી ટેસ્ટ માટે આરામ આપવામાં આવે તેવી શક્યતા છે, જેનો અર્થ એ છે કેમાર્ચની શરૂઆતમાં ધર્મશાલામાં પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ફ્રેશ થઈ ઉપલબ્ધ હશે.” તે મેચ આ સિરીઝમાં નિર્ણાયક બની શકે છે. ત્યાં બુમરાહની હાજરીથી ફરક પડશે.

અવેશને ‘ગેમ ટાઈમ’ની જરૂર હતી

છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ફાસ્ટ બોલર અવેશ ખાનને પ્રથમ બે ટેસ્ટ મેચમાં રમવાની તક આપ્યા વિના ટીમમાંથી બહાર કરવાના નિર્ણય બદલ પસંદગીકારો ટીકાનો સામનો કરી રહ્યા છે. આ અંગે, સૂત્રએ કહ્યું, “આ વિચાર તેને રમત માટે સમય આપવાનો છે. એટલા માટે તેને રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ તરફથી રમવા માટે કહેવામાં આવ્યું છે. તેઓ હજુ સુધી ફેબ્રુઆરીમાં રમ્યા નથી. આકાશ દીપ (તેની બદલી) ને પસંદ કરવામાં આવ્યો કારણ કે, તેણે ભારત A માટે સારું પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં ભારત માટે બે ફાસ્ટ બોલર હશે, બુમરાહ અને સિરાજ.

ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં રમવું જરૂરી છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બીસીસીઆઈ ભારતના કેટલાક સારા ખેલાડીઓના રેડ વોલ ક્રિકેટ, ખાસ કરીને રણજી ટ્રોફી પ્રત્યેના વલણથી બહુ ખુશ નથી. સૂત્રએ કહ્યું, “તમામ ખેલાડીઓને આગામી થોડા દિવસોમાં BCCI દ્વારા રણજી ટ્રોફીમાં તેમની રાજ્યની ટીમ માટે રમવા માટે જાણ કરવામાં આવશે. NCA માં અનફિટ અને રિકવર થયેલા ખેલાડીઓને જ છૂટ આપવામાં આવશે. બોર્ડ પહેલાથી જ કેટલાક ખેલાડીઓથી નાખુશ છે, જેઓ જાન્યુઆરીથી IPL મોડમાં છે.”

આ પણ વાંચો – IND vs ENG, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડેજા-રાહુલ પર સસ્પેન્સ; કોહલી બહાર

કેવી હશે રાજકોટની પીચ?

રાજકોટમાં ધીમી ટર્નર પીચ જોવા મળશે. સૂત્રએ કહ્યું, “ભારતીય ટીમ મેનેજમેન્ટ ધીમા ટર્નર સાથે સહજ છે. તેઓ રેન્ક ટર્નર્સ ઇચ્છતા નથી.” હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં પણ ધીમો ટર્નર જોવા મળ્યો હતો. હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ અને વિશાખાપટ્ટનમમાં ભારતનો વિજય થયો હતો. ભારતીય સ્પિનરો આવી પીચો પર સંઘર્ષ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ