IND vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે વિરાટ કોહલીની ગેરહાજરીમાં આગળ વધવું પડશે. વિરાટ કોહલી રાજકોટ અને રાંચીમાં રમાનારી અનુક્રમે ત્રીજી અને ચોથી ટેસ્ટ ગુમાવે તેવી શક્યતા છે. ઇએસપીએનક્રિકઇન્ફોએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. 6 માર્ચથી ધર્મશાળામાં યોજાનારી પાંચમી ટેસ્ટ માટે પણ કોહલીનું રમવું શંકાસ્પદ છે.
વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટનો ભાગ ન હતો
વિરાટ કોહલીએ 22 જાન્યુઆરીએ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. તે ટીમ સાથે હૈદરાબાદ પહોંચ્યો હતો પરંતુ તે ત્યાંથી પાછો ફર્યો હતો. બીસીસીઆઈએ એક અપડેટમાં કહ્યું કે વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું એ હંમેશાં તેની ટોચની પ્રાથમિકતા છે પરંતુ કેટલીક વ્યક્તિગત પરિસ્થિતિઓમાં તેની હાજરી જરૂરી છે.
મોહમ્મદ સિરાજ પરત ફરશે
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ મેચનો ભાગ ન હતો. ટીમે તેને રિલીઝ કર્યા હતો. જોકે રાજકોટ ટેસ્ટ પહેલા તે ટીમ સાથે જોડાશે. સિરાજની વાપસી ટીમ માટે સારા સમાચાર છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ જસપ્રીત બુમરાહ પર નિર્ભર હતી. આવી સ્થિતિમાં સિરાજના આવવાથી બોલિંગ લાઈનઅપ મજબૂત થશે. બુમરાહના વર્કલોડને મેનેજ કરવા માટે તેને રાજકોટ ટેસ્ટ કે તે પછી આરામ આપી શકાય તેમ છે.
આ પણ વાંચો – કેએસ ભરતની ખરાબ બેટિંગ છતા ત્રીજી ટેસ્ટમાં તક મળશે? કોચ રાહુલ દ્રવિડે આપ્યો આવો સંકેત
જાડેજા અને રાહુલ એનસીએમાં
હાલમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની વાપસી અંગે કોઈ અપડેટ નથી, જે ઈજાના કારણે ટીમમાંથી બહાર છે. બંને હાલમાં એનસીએની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે. અત્યાર સુધી એનસીએએ અંતિમ મેડિકલ રિપોર્ટ આપ્યો નથી. આ રિપોર્ટ આવ્યા પછી બંનેની ત્રીજી ટેસ્ટમાં પસંદગી કરવામાં આવશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો અને બીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો.





