IND vs IRE 2nd T20 Score : ઋતુરાજ ગાયકવાડની અડધી સદી (58)પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે આયરલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં 33 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટી-20 મેચ 23 ઓગસ્ટે રમાશે.
એન્ડ્રુ બાલ્બિર્નીના 51 બોલમાં 71 રન
કેપ્ટન પોલ સ્ટર્લિંગ અને લોર્કન ટકર ખાતું ખોલાયા વિના પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યા હતા. હેરી ટેક્ટર 7 રને બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ થતા આયરલેન્ડે 28 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર એન્ડ્રુ બાલ્બિર્નીએ 39 બોલમાં અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. બાલ્બિર્ની 51 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 71 રન બનાવી આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી ટીમનો પરાજય નિશ્ચિત બન્યો હતો.
ઋતુરાજ ગાયકવાડની અડધી સદી
યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલ 18 રને યંગનો શિકાર બન્યો હતો. તિલક વર્મા ખાસ કમાલ ન કરી શકતા 1 રન બનાવી આઉટ થયો હતો. ગાયકવાડ અને સંજુ સેમસને બાજી સંભાળી હતી. બન્નેએ 71 રનની ભાગીદારી નોંધાવી હતી. સંજુ સેમસન 26 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 40 રન બનાવી બોલ્ડ થયો હતો. ગાયકવાડે એક છેડો સાચવી રાખતા 39 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. ગાયકવાડ અડધી સદી પછી વધારે ટકી શક્યો ન હતો. તે 43 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 58 રને આઉટ થયો હતો. રિંકુ સિંહે 21 બોલમાં 2 ફોર, 3 સિક્સરની મદદથી 38 અને શિવમ દુબેએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન પદેથી હટાવાશે? બુમરાહની વાપસીથી બદલાયા સમીકરણ
બન્ને ટીમો આ પ્રમાણે છે
બીજી ટી-20માં આયરલેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
ભારત : રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રવિ બિશ્નોઈ.
આયરલેન્ડ : પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ.





