India vs Ireland 1st T20 Score : પ્રથમ ટી-20માં ભારતે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે આયરલેન્ડ સામે 2 રને વિજય મેળવ્યો છે. આયરલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. ભારતે 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવી લીધા હતા ત્યારે વરસાદ વિધ્નરુપ બન્યો હતો. આ પછી ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતને 2 રને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ જીત સાથે ત્રણ મેચની શ્રેણીમાં ભારતે 1-0થી સરસાઇ મેળવી લીધી છે. બીજી ટી-20 મેચ 20 ઓગસ્ટે રમાશે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 24 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 19 અને સંજુ સેમસન 1 રને અણનમ રહ્યા હતા. તિલક વર્મા પ્રથમ બોલે જ આઉટ થયો હતો. બુમરાહે લગભગ એક વર્ષ પછી ક્રિકેટમાં શાનદાર વાપસી કરતા 2 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો.
મેકકાર્થીના 33 બોલમાં અણનમ 51 રન
એન્ડ્રુ બાલ્બિર્ની (4)અને લોર્કન ટકર (0) રને બુમરાહનો શિકાર બન્યો હતો. કેપ્ટન પોલ સ્ટર્લિંગ 11 રને રવિ બિશ્નોઇનો શિકાર બન્યો હતો. આયરલેન્ડે 31 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.કર્ટિસ કેમ્ફર અને મેકકાર્થી બાજી સંભાળી હતી. કેમ્ફરે 33 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 39 રન બનાવ્યા હતા. જ્યારે મેકકાર્થીએ 33 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે અણનમ 51 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહ, કૃષ્ણા અને બિશ્નોઇએ 2-2 વિકેટ ઝડપી હતી.
રિંકુ સિંહ અને પ્રસિદ્ધિ કૃષ્ણાનું ડેબ્યૂ
આયરલેન્ડ સામેની મેચમાં રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા રિંકુ સિંહ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો પરંતુ તક મળી ન હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બુમરાહ પ્રથમ વખત ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સંભાળી રહ્યો છે અને તે ટી-20 ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ કરનારો સૌપ્રથમ ફાસ્ટ બોલર છે. બુમરાહ ટી-20માં ભારતની કેપ્ટનશિપ કરનારો 20મો ખેલાડી બન્યો હતો.
આ પણ વાંચો – ઋષભ પંત કાર અકસ્માત પછી પ્રથમ વખત ક્રિકેટ રમ્યો, મેદાન પર ઉતરતા જ ફટકારી સિક્સર, જુઓ Video
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રવિ બિશ્નોઈ.
આયરલેન્ડ : પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ.





