Asia Cup 2025 Final : રવિવારે રાત્રે ફાઇલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત છતાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને ટ્રોફી વિના ઉજવણી કરવી પડી હતી. કારણ એ હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીના હાથેથી ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે તેઓ ટ્રોફી અને મેડલ પોતાની સાથે તેમની હોટલમાં લઈ ગયા હતા. શું કોઈ વિજેતાને બદલે ટ્રોફી રાખી શકે છે? શું કોઈ ટીમ ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કરી શકે છે? જાણો નિયમો શું છે?
રવિવારે મોડી રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ ફાઇનલમાં ભારતની ટાઇટલ જીત પછી જે બન્યું તે અભૂતપૂર્વ હતું. ફાઇનલ મેચ પછી ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવાના બદલે કોઈ આયોજક કે બોર્ડ પ્રમુખે ટ્રોફી પોતાના માટે રાખી હતી. ક્રિકેટના નિયમો બનાવનારાઓએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે આવું કંઈક થઈ શકે છે. પરંતુ મોહસીન નકવીએ બધી મર્યાદાઓ વટાવી દીધી હતી.
ACC નિયમ ટ્રોફી વિશે શું કહે છે?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) બંને પાસે ટ્રોફીની કસ્ટડી અંગે સ્પષ્ટ નિયમો છે. નિયમો અનુસાર વિજેતા ટીમને મેચ પછી તરત જ એક સત્તાવાર સમારોહમાં ટ્રોફી રજૂ કરવામાં આવે છે. જો હવામાન અથવા અન્ય કોઈ કારણોસર ફાઇનલ મેચ પૂર્ણ ન થાય, તો ACC નિયમો અનુસાર, બંને ટીમો ટ્રોફી શેર કરશે અને બંનેને ચેમ્પિયન ગણવામાં આવશે.
વિજેતા ટીમને ટ્રોફી આપવાને બદલે કોઇ અન્ય રાખી શકે છે?
ના. નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે ફાઇનલ મેચ પછી ટ્રોફીની પ્રેઝન્ટર કે આયોજક પોતાની પાસે રાખી શકતા નથી. તે મેચ પછી સત્તાવાર સમારોહમાં વિજેતા ટીમને સોંપવી આવશ્યક છે. આ નિયમો અને રેગ્યુલેશન ચાલી આવતી પ્રથાઓ અનુસાર છે અને રમતની ભાવના અને અખંડિતતા જાળવવા માટે સખત રીતે લાગુ કરવામાં આવે છે.
ચેમ્પિયન ટીમ ટ્રોફી કેટલા સમય માટે રાખી શકે છે?
નિયમો અનુસાર ચેમ્પિયન ટીમ એક નિશ્ચિત સમય સુધી ટ્રોફી પોતાની પાસે રાખે છે. તે સમયગાળા પછી તેમને ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવી શકે છે, જે વિજેતા ટીમ હંમેશા માટે પોતાની પાસે રાખી શકે છે.
આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવે AI-જનરેટેડ ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને કહ્યું, “મારી સાચી ટ્રોફી મારી ટીમ છે”
જો કોઈ ટીમ કોઈની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરે તો શું થશે?
જો કોઈ ટીમ કોઈ ચોક્કસ વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કરે તો શું થશે તે અંગે નિયમો સ્પષ્ટ નથી. ભારતીય ટીમે મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આનું કારણ એ હતું કે નકવી પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે અને તે ભારત વિરોધી ઝેરી નિવેદનો માટે કુખ્યાત છે. પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં, ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. વાત એ છે કે ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો ન હતો; તે ફક્ત નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવા માંગતા નથી. ભારતીય ટીમ બીજા કોઈ પાસેથી ટ્રોફી સ્વીકારવા તૈયાર હતી.
મોહસીન નકવી પોતાના બચાવમાં ICC સમક્ષ દલીલ કરી શકે છે કે તે ટ્રોફી આપવા માટે તૈયાર હતા, પરંતુ ભારતીય ટીમે પોતે તેનો સ્વીકાર કર્યો ન હતો. પરંતુ તેની પાસે નિયમો અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને ટ્રોફી કેમ રાખી તેનો કોઈ માન્ય ખુલાસો નહીં હોય. તેમણે ટ્રોફી અને મેડલ “ચોરી” કેમ કર્યા?
હવે આગળ શું
મોહસીન નકવીએ રોફી ચોરીનું જે કામ કર્યું છે તે નિયમોની વિરુદ્ધ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો નિર્ણય લીધો છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દુબઈમાં આઈસીસીની બેઠક યોજાશે. જેમાં બીસીસીઆઈ આ મુદ્દો મજબૂત રીતે ઉઠાવશે.
BCCI એ મોહસીન નકવી દ્વારા ટ્રોફી ચોરી પર આકરી પ્રતિક્રિયા આપી છે. મુંબઈમાં બોર્ડ હેડક્વાર્ટરમાં પત્રકારો સાથે વાત કરતા BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે આ અપ્રત્યાશિત અને ખૂબ જ બાલિશ છે. અમે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દુબઈમાં ICC મીટિંગમાં આનો સખત વિરોધ કરીશું. અમે ACC પ્રમુખ અને એક પાકિસ્તાની નેતા પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેનાથી તે વ્યક્તિ (મોહસીન નકવી) ને ટ્રોફી અને મેડલ તેની સાથે તેની હોટલમાં લઈ જવાની મંજૂરી મળતી નથી.





