India vs Pakistan Updates: ભારત વિ. પાકિસ્તાન સ્કોર, ટી 20 વર્લ્ડ કપ 2024 : ઋષભ પંતના 42 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે લો સ્કોરિંગ મેચમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતની ટીમ 19 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 7 વિકેટે 113 રન બનાવી શક્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે પાકિસ્તાનનો સતત બીજો પરાજય થયો છે. ભારત હવે બુધવાર 12 જૂને અમેરિકા સામે રમશે. આ પરાજય સાથે પાકિસ્તાનનું સુપર 8 માં પહોચવું મુશ્કેલ બની ગયું છે.
ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 2 વિકેટ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને ટોસ જીતી જાણે મેચ જીતી હતી. પ્રથમ ઇનિંગમાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન પર પાકિસ્તાની બોલર્સ હાવી હતા અને ટીમ ઇન્ડિયા 119 રનમાં ઓલ આઉટ થઇ હતી. જોકે બુમરાહ, અક્ષર પટેલ, હાર્દિક સહિત બોલરે રંગ રાખતાં પાકિસ્તાનના હાથમાં સરી ગયેલી મેચ પાછી ખેંચી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ઉસ્માન ખાન, ફખર જમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.