India vs Pakistan WCL 2025 Match Cancelled: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની મેચને આયોજકોએ રદ્દ કરી દીધી છે. આ મેચ રવિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9 વાગ્યાથી બર્મિંગહામના એજબેસ્ટોન ખાતે રમાવાની હતી. આ મેચનો પહેલાથી જ વિરોધ થઈ રહ્યો હતો અને તેને જોતા ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે બર્મિંગહામમાં રમાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાનો નથી. “હું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં પાકિસ્તાન સામે કોઈ પણ મેચમાં રમીશ નહીં. ધવન ઉપરાંત સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, હરભજન સિંહે પણ આ મેચમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
આ મેચ વિશે WCL તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમા લખ્યું છે કે, “આ વર્ષે પાકિસ્તાન હોકી ટીમના ભારત આવવાના સમાચાર સાંભળ્યા પછી અને તાજેતરની ભારત વિરુદ્ધ પાકિસ્તાન વોલીબોલ મેચ તેમજ બંને દેશો વચ્ચેની વિવિધ રમતોની કેટલીક અન્ય મેચો જોયા પછી, અમે દુનિયાભરના લોકો માટે કેટલીક સુખદ યાદો બનાવવા માટે WCLમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ચાલુ રાખવાનું વિચાર્યું. કદાચ, આ પ્રક્રિયામાં, અમે ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
WCL વધુમાં લખે છે કે,”અમે અજાણતાં જ અમારા લેજન્ડરી ખેલાડીઓને અસ્વસ્થ કરી દીધા હતા, જેમણે દેશનું ઘણું ગૌરવ વધાર્યું છે અને અમે તે બ્રાન્ડ્સને પણ પ્રભાવિત કરી હતી જેણે રમત પ્રત્યેના તેમના પ્રેમને કારણે અમને ટેકો આપ્યો હતો. અમે ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. અમે દુ:ખ માટે ફરીથી માફી માંગવા માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે લોકો સમજે છે કે અમે ફક્ત ચાહકો માટે કેટલીક ખુશ ક્ષણો લાવવા માંગીએ છીએ.





