India vs South Africa Test Match in Kolkata : ભારતીય ટીમ 14મી નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ મેચ પહેલા આ મેદાન સાથે જોડાયેલા ભારતના કેટલાક જૂના ટેસ્ટ આંકડા પણ નજર કરીએ . ભારત અહીં અત્યાર સુધીમાં કુલ 42 ટેસ્ટ મેચ રમ્યું છે, પરંતુ ખાસ વાત એ છે કે ભારત માત્ર 31 ટકા મેચ જીતી શક્યું છે, એટલે કે આ મેદાન પર ભારતના સફળતા દરના 50 ટકાથી પણ ઓછો છે.
ઈડન ગાર્ડન્સમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ
- કુલ મેચ : 42
- જીત : 9
- હાર : 13
- ડ્રો : 20
ભારતીય ટીમે છેલ્લે 2019માં આ ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ અહી પહેલી વખત શુભમન ગીલની કેપ્ટન્સી હેઠળ રમશે. ભારત આ મેદાન પર સાઉથ આફ્રિકા સાથે ત્રણ વખત ટકરાઈ ચૂક્યું છે, જેમાંથી બે વખત ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે.
કોલકાતામાં ભારત-દક્ષિણ આફ્રિકાની મેચ ક્યારે-ક્યારે રમાઇ?
કોલકાતાના આ ઐતિહાસિક મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કુલ ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતીય ટીમ છેલ્લે 1996માં સાઉથ આફ્રિકા સામે અહીં હાર્યું હતું. જે પછી 2008 અને 2010માં ભારતે અહી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. એટલે કે એમ પણ કહી શકાય કે 29 વર્ષથી સાઉથ આફ્રિકાની ટીમ આ મેદાન પર ટેસ્ટ જીતની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો – રાજકોટમાં ક્રિકેટપ્રેમીઓને આવશે મોજ, અભિષેક શર્મા, તિલક વર્મા સહિત સ્ટાર ક્રિકેટરો જમાવશે રંગ
પ્લેઇંગ ઇલેવનને લઇને મૂંઝવણ?
ઈડન ગાર્ડન્સનો સફળતાનો દર જોયા બાદ કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર ચિંતામાં જોવા મળી શકે છે. બીજી તરફ પ્લેઈંગ 11ને લઈને પણ બંનેની મૂંઝવણ પણ વધી ગઈ છે. કારણ કે ટેસ્ટનો વાઈસ કેપ્ટન રહેલો ઋષભ પંત પાછો આવ્યો છે અને અન્ય વિકેટકિપર ધ્રુવ જુરેલ પણ સારો દેખાવ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ધ્રુવને પ્લેઈંગ 11માં કેવી રીતે સ્થાન અપાવવું તે અંગે કેપ્ટન અને કોચ વચ્ચેની ચર્ચા ચોક્કસ જારી રહેશે. જ્યારે સૌરવ ગાંગુલીએ જુરેલને સુદર્શનને બદલે નંબર 3 પર રમવાની સલાહ આપી છે.





