IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરથી કોલકાતામાં રમાશે. આ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે એ સવાલનો જવાબ આપ્યો હતો કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટેસ્ટ ટીમમાં કેમ સ્થાન આપવામાં આવતું નથી. શમી આ દિવસોમાં ભારતીય ટીમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેને તક મળી રહી નથી. ગિલે પ્રેસ કોન્ફરન્સમાં શમી વિશે ખુલીને વાત કરી હતી.
શમીને ટેસ્ટ ટીમમાં સ્થાન કેમ નથી મળી રહ્યું
શુભમન ગિલે કોલકાતા ટેસ્ટ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે શમી ભાઈ જેવા ક્વોલિટી બોલરો ઘણા નથી, પરંતુ અમે આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓના પ્રદર્શનને નજરઅંદાજ કરી શકીએ નહીં. આપણે જોયું છે કે બુમરાહ અને સિરાજ પણ સારો દેખાવ કરી રહ્યા છે. અમારી નજર એ વાત ઉપર પણ છે કે અમે અમારી આગામી ટેસ્ટ શ્રેણી ક્યાં રમીશું. તેના પર પસંદગીકારો જ વધુ સારો જવાબ આપી શકશે કે શમીને ટેસ્ટ ટીમમાં સ્થાન કેમ આપવામાં આવી રહ્યું નથી.
દક્ષિણ આફ્રિકા સામેના પડકાર વિશે ગિલે એમ પણ કહ્યું હતુ કે સાઉથ આફ્રિકાને હરાવવું આસાન નહીં રહે કારણ કે તે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે અને તેણે ચાલુ વર્ષના પ્રારંભે લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઈટલ જીત્યું હતુ. મને લાગે છે કે દક્ષિણ આફ્રિકા સામેની આ બે ટેસ્ટ મેચ ડબ્લ્યુટીસી ફાઇનલમાં ક્વોલિફાય થવાની અમારી તકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા ખૂબ જ સારી ટીમ છે અને તેઓ ચેમ્પિયન છે.
આ પણ વાંચો – પ્રથમ ટેસ્ટમાં ધ્રુવ જુરેલ રમશે, ભારતીય કોચે કર્યું કન્ફર્મ, કોણ થશે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર?
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.





