IND vs SL 1st T20 Match : ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે રોહિત શર્માના યુગનો અંત આવી ગયો છે અને હવે ભારતીય ટીમ પોતાના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં પોતાને સાબિત કરવા માટે તૈયાર છે. સૂર્યકુમારની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20ની શ્રેણી રમવા પહોંચી ગઇ છે, જે 27 જુલાઈ એટલે કે શનિવારથી સાંજે 7 વાગ્યાથી શરુ થશે. સૂર્યકુમાર યાદવનો પ્રયત્ન રહેશે કે તે પોતાની કેપ્ટન્સી હેઠળ યજમાન શ્રીલંકાને હરાવીને કેપ્ટન તરીકે (ટી-20માં પૂર્ણકાલીન કેપ્ટન બન્યા બાદ) શાનદાર રીતે કરે.
ભારત માટે શ્રીલંકાની ટીમને તેની ધરતી પર હરાવવું આસાન નહીં હોય કારણ કે આ ટીમમાં પણ ઘણા સ્ટાર ખેલાડી નથી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. દેખીતી રીતે જ વિરોધી ટીમ નિશ્ચિત રીતે ટીમમાં આ દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવા માંગશે.
હાલ ભારતીય ટીમ પણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને હવે આગામી ટી-20 વર્લ્ડ કપની તૈયારી પણ થઈ જશે, પરંતુ તે પહેલા જરૂરી છે કે ટીમ ઈન્ડિયા પોતાના ખેલાડીઓના દમ પર જીતના અભિયાનની શરૂઆત કરે.
સંજુ અને શિવમ થઈ શકે છે બહાર
શ્રીલંકા સામેની પ્રથમ ટી-20માં ઋષભ પંતને કારણે સંજુ સેમસનનું પ્લેઈંગ ઈલેવનમાં રમવું શક્ય લાગતું નથી. જ્યારે હાર્દિક પંડયાની હાજરી બાદ શિવમ દુબેને ડ્રોપ કરવામાં આવી શકે છે. શ્રીલંકામાં સ્પિનરોને મદદ મળે છે, તેથી ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહી ચૂકેલા શિવમ દુબેના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં તક આપવામાં આવી શકે છે. આ સાથે જ રિંકુ સિંહ પણ ટીમમાં હશે, જેના કારણે દુબેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં હોય તેમ લાગતું નથી. ભારત આ મેચમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયા, અક્ષર પટેલ અને સુંદરને રમાડી શકે છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને કેમ ન બનાવ્યો ટી 20 ટીમનો કેપ્ટન, જાણો, ગંભીરે કોહલી વિશે શું કહ્યું
જો સિરાજ નહીં રમે તો ખલીલને ટીમમાં સ્થાન મળી શકે છે
ભારત માટે ઈનિંગ્સની શરૂઆત કરવાની જવાબદારી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પર રહેશે, જ્યારે સતત સારું પ્રદર્શન કરી રહેલો ઋષભ પંત ત્રીજા નંબર પર રહેશે. સૂર્યકુમાર યાદવ પોતે ચોથા નંબર પર બેટિંગ કરવા આવશે, જ્યારે રિંકુ સિંહ પાંચમાં નંબરે અને ત્યારબાદ હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર રહેશે. આ પછી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બેટીંગ કરતા જોવા મળી શકે છે.
ફાસ્ટ બોલર તરીકે ટીમમાં અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ હોઈ શકે છે. જોકે સિરાજને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, આ સ્થિતિમાં જો તે ઉપલબ્ધ ન હોય તો ખલીલ અહમદને તક આપવામાં આવી શકે છે. જ્યારે રવિ બિશ્નોઈને ટીમમાં પ્યોર સ્પિનર તરીકે તક આપવામાં આવી શકે છે.
પ્રથમ ટી-20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ.





