IND vs SL 2nd ODI Pitch Report, Weather : ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે (4 ઓગસ્ટ) કોલંબોમાં રમાશે. આ સ્થળે શુક્રવારે રમાયેલી પ્રથમ મેચ ટાઈ પડી હતી. પ્રથમ મેચમાં સંભાવના બાદ પણ વરસાદ થયો ન હતો. રવિવારે પણ વરસાદની શક્યતા છે, પણ બંને ટીમો તેમજ ચાહકોને આશા રહેશે કે વરસાદ ન પડે. કોલંબોની પીચની વાત કરીએ તો અહીં રન બનાવવા મુશ્કેલ છે. બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવી વધુ મુશ્કેલ છે.
ભારત વિ. શ્રીલંકા બીજી વન-ડે વેધર રિપોર્ટ
એક્યુવેધરના જણાવ્યા અનુસાર 4 ઓગસ્ટે બપોરે 73 ટકા અને સાંજે 70 ટકા વરસાદની સંભાવના છે. પ્રથમ વન ડે પર વરસાદની કોઈ અસર થઈ ન હતી, જોકે સમગ્ર મેચ દરમિયાન વરસાદની શક્યતા હતી. પ્રશંસકોને આશા છે કે આ મેચમાં પણ આવું જ થશે. તાપમાન 28-30 ડિગ્રીની આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ 80 ટકાની આસપાસ રહેશે.
આ પણ વાંચો – 53 વર્ષમાં રમાઇ 4752 વન-ડે મેચ, ટાઇ થયેલી મેચોની સંખ્યા 1 % પણ નથી, આ રહ્યું ટાઇ મેચનું લિસ્ટ
પિચ રિપોર્ટ
2 ઓગસ્ટના રોજ, સ્પિનરોએ પ્રેમદાસામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી વન ડેમાં પણ પિચ સ્પિનરોને મદદ મળે તેવી શક્યતા છે. પ્રથમ વન ડેમાં શ્રીલંકાના સ્પિનરોએ 10માંથી 9 વિકેટ ઝડપી હતી. જોકે ભારત માટે તે વધુ સંતુલિત હતું. ભારતીય સ્પિનરોએ 8માંથી 4 વિકેટ ઝડપી હતી.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે 169 વન ડે મેચ રમાઇ છે. જેમાંથી ભારતનો 99માં વિજય થયો છે જ્યારે શ્રીલંકાએ 57માં વિજય મેળવ્યો છે. 12 મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી.