India vs West Indies 1st ODI : કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના તરખાટ બાદ ઇશાન કિશનની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 23 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતે 22.5 ઓવરમાં 5 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે બીજી વન ડે 29 જુલાઈના રોજ આ જ મેદાન પર રમાશે.
ભારત માટે રનચેઝમાં ઓપનર ઇશાન કિશને શાનદાર બેટિંગ કરતા 52 રન બનાવ્યા હતા. ઇશાને 46 બોલનો સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે પણ 19 રન, શુભમન ગિલ 7 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (12) અને રવિન્દ્ર જાડેજા (16)એ ભારતને જીત અપાવી હતી.
આ પહેલા વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમ માત્ર 23 ઓવરમાં 114 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત સામેની વન ડેમાં વિન્ડીઝનો આ બીજો લોએસ્ટ સ્કોર હતો. શાઈ હોપ (43), બ્રાન્ડન કિંગ (17), શિમરોન હેટમાયર (11) અને એલિક અથાનાજ (22) ચાર ખેલાડીઓ ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યા હતા.
આ પણ વાંચો – ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : ટીમ ઇન્ડિયાને ફટકો, મોહમ્મદ સિરાજ વન-ડે શ્રેણીમાંથી બહાર
ભારત તરફથી બોલર કુલદીપ યાદવે માત્ર છ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર જાડેજાએ 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડીઝે તેની આખરી સાત વિકેટ 26 રનમાં ગુમાવી હતી.