યશસ્વી જયસ્વાલે સદી ફટકારી કોહલી, ગાંગુલી અને દ્રવિડનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બીજો ભારતીય પ્લેયર બન્યો

Yashasvi Jaiswal 7th Test Hundred : યશસ્વી જયસ્વાલે 47મી ઇનિંગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં 7મી સદી ફટકારી. યશસ્વી જયસ્વાલ સચિન તેંડુલકર બાદ 24 વર્ષની ઉંમરે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે

Written by Ashish Goyal
Updated : October 10, 2025 18:11 IST
યશસ્વી જયસ્વાલે સદી ફટકારી કોહલી, ગાંગુલી અને દ્રવિડનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બીજો ભારતીય પ્લેયર બન્યો
યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી (તસવીર - બીસીસીઆઈ)

Yashasvi Jaiswal 7th Test Hundred : ભારતીય ટેસ્ટ ઓપનર યશસ્વી જયસ્વાલ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 47મી ઇનિંગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં 7મી સદી ફટકારી છે. વિન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચના પ્રથમ દિવસે 23 વર્ષીય ભારતીય બેટ્સમેને સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યશસ્વી જયસ્વાલ સચિન તેંડુલકર બાદ 24 વર્ષની ઉંમરે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે. જયસ્વાલ 253 બોલમાં 22 ફોર સાથે 173 રને અણનમ છે.

યશસ્વી જયસ્વાલે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બે વર્ષમાં જ તે આ લિસ્ટનો ભાગ બની ગયો છે. સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને 24 વર્ષની ઉંમર પહેલા તેના નામે 11 ટેસ્ટ સદી હતી. જ્યારે સર ડોન બ્રેડમેને 12 અને સર ગારફિલ્ડ સોબર્સે 24 વર્ષની ઉંમરે 9 ટેસ્ટ સદી ફટકારી હતી.

24 વર્ષની ઉંમર પહેલા ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાની વાત કરીએ તો યશસ્વી આ યાદીમાં રવિ શાસ્ત્રી (5), દિલીપ વેંગસરકર (5) અને મોહમ્મદ અઝહરુદ્દીન (4) કરતા આગળ છે.

ચાર દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી

યશસ્વીએ તેની સદી સાથે ચાર ખેલાડીઓની બરોબરી કરી લીધી છે. અગાઉ પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ, સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂક અને ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી કેન વિલિયમસને પણ 24 વર્ષની વયે 7-7 ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે તે આ યાદીમાં એબી ડિવિલિયર્સ, વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટ જેવા ઘણા મોટા નામો કરતા આગળ છે.

મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડ્યો

યશસ્વી જયસ્વાલે આ મામલે 7મી ટેસ્ટ સદી સાથે લેજન્ડરી બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો છે. અઝહરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 24 વર્ષની ઉંમર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી ફટકારી હતી. સુનીલ ગાવસ્કરે 24 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી ફટકારી હતી. હવે આ યાદીમાં ભારતમાં યશસ્વી કરતાં આગળ માત્ર સચિન તેંડુલકર જ છે. વર્લ્ડની વાત કરીએ તો સચિન ટોચ પર છે અને સર ડોન બ્રેડમેન 13 સદી સાથે બીજા સ્થાને છે.

આ પણ વાંચો – શું રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી જાહેર કરશે નિવૃત્તિ?

યશસ્વી માટે સચિન અને બ્રેડમેનને રેકોર્ડ તોડવો કદાચ અશક્ય છે. કારણ કે 28 ડિસેમ્બર, 2025 ના રોજ તે 24 વર્ષનો થશે. આ દરમિયાન ભારતને સાઉથ આફ્રિકા સામે માત્ર બે જ ટેસ્ટ રમવાની છે. જો તે દરેક ઇનિંગ્સમાં સદી ફટકારે તો તે માત્ર 11 કે 12 સદી સુધી જ પહોંચી શકે છે. જે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તે ગેરી સોબર્સનો રેકોર્ડ તોડી શકે છે.

યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 રન પુરા કર્યા

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઇન્ડીઝ સામે 17 રન બનાવતા જ 3000 આંતરરાષ્ટ્રીય રન પુરા કર્યા છે. આ સાથે તેણે વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. યશસ્વી જયસ્વાલ હવે ભારત માટે સૌથી ઝડપી 3000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી બીજો ખેલાડી બની ગયો છે.

જોકે તે લેજન્ડરી સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો છે. યશસ્વીએ કારકિર્દીની 71મી ઈનિંગમાં આ આંકડાને સ્પર્શી લીધો છે. જ્યારે નંબર 1 પર રહેલા ગાવસ્કરે 69 ઇનિંગ્સમાં 3000 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા.

ભારત તરફથી સૌથી ઓછી ઇનિંગ્સમાં 3000 રન ફટકારનાર ખેલાડી

  • સુનીલ ગાવસ્કર – 69 ઇનિંગ્સ
  • યશસ્વી જયસ્વાલ – 71 ઇનિંગ્સ
  • સૌરવ ગાંગુલી – 74 ઇનિંગ્સ
  • શુભમન ગિલ – 77 ઇનિંગ્સ
  • રાહુલ દ્રવિડ – 78 ઇનિંગ્સ
  • પોલી ઉમરીગર – 79 ઇનિંગ્સ
  • વિરાટ કોહલી – 80 ઇનિંગ્સ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ