India vs West Indies 3rd T20 : કુલદીપ યાદવની ચુસ્ત બોલિંગ (3 વિકેટ)પછી સૂર્યકુમાર યાદવના આક્રમક 83 અને તિલક વર્માના અણનમ 49 રનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે શ્રેણી જીવંત રાખી છે. પાંચ મેચની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝે 2-1થી આગળ છે. પાંચ મેચની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝે 2-1થી આગળ છે. ચોથી ટી-20 મેચ 12 ઓગસ્ટે રમાશે.
સૂર્યકુમાર યાદવના 83 રન
ડેબ્યુ કરી રહેલો યશસ્વી જયસ્વાલ (1) અને શુભમન ગિલ (6) સસ્તામાં આઉટ થયા હતા. સૂર્યકુમાર અને તિલક વર્માએ 87 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. સૂર્યકુમારે 44 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 83 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 37 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ અણનમ 20 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝના 5 વિકેટે 159 રન
બ્રેન્ડોન કિંગ (42)અને કાયલ મેયર્સે (25)પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. મેયર્સ 25 રને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. ચાર્લ્સ 12 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. નિકોલસ પૂરન 20 અને બ્રેન્ડોન કિંગ 42 રને આઉટ થયા હતા. કેપ્ટન પોવેલે 19 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે અણનમ 40 રન બનાવી સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો – વીરેન્દ્ર સેહવાગની કઇ વાત પર પૂર્વ કોચ જોન રાઇટે કોલર પકડીને ખેચ્યો હતો, કર્યો ખુલાસો
વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં એક ફેરફાર થયો હતો. જેસન હોલ્ડરના સ્થાને રસ્ટન ચેઝને તક મળી હતી. જ્યારે ભારતીય ટીમમાં ઇશાન કિશન અને રવિ બિશ્નોઇના સ્થાને યશસ્વી જયસ્વાલ અને કુલદીપ યાદવને તક આપવામાં આવી હતી. યશસ્વીએ ટી-20માં ડેબ્યૂ કર્યું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારતીય ટીમ : યશસ્વી જયસ્વાલ , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ.
વેસ્ટ ઇન્ડીઝ ટીમ : બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રસ્ટન ચેઝ, અકેલ હોસિન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.