India vs West Indies 2023 : ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ડોમિનિકા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વેસ્ટ ઈન્ડીઝની ટીમ 64.3 ઓવરમાં 150 રનમાં જ ખખડી ગઈ હતી. રવિચંદ્રન અશ્વિને 24.3 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે ટેસ્ટ ઈનિંગ્સમાં 33મી વખત પાંચ વિકેટ ઝડપી હતી.
આ સાથે અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20 સહિત) ઝડપનાર ત્રીજો ભારતીય બની ગયો છે. અશ્વિન પહેલા ભારત તરફથી અનિલ કુંબલે (956) અને હરભજન સિંહ (711) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જોકે આ સમયગાળામાં અશ્વિને હરભજન સિંહના એક રેકોર્ડની બરાબરી કરી હતી, સાથે અનિલ કુંબલે અને ઈશાંત શર્માની કલબમાં જોડાયો છે.
અશ્વિને 271મી મેચમાં 700મી આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી
રવિચંદ્રન અશ્વિનના નામે હવે 702 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. તેણે 271મી મેચમાં 700મી આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ મેચોમાં 5 વખત 10 કે તેથી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે. અશ્વિનના નામે હવે ટેસ્ટ ક્રિકેટમાં 479 વિકેટ છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચમાં સૌથી વધારે 5 વિકેટ ઝડપનારમાં અશ્વિન સંયુક્ત રીતે બીજા નંબર પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો – વેસ્ટ ઇન્ડીઝમાં વિરાટ કોહલીના નિશાને આ ત્રણ મોટા રેકોર્ડ રહેશે, ઘણા દિગ્ગજોને પાછળ છોડવાની તક
અશ્વિને વેસ્ટ ઈન્ડીઝ સામે પાંચમી વખત ટેસ્ટમાં 5 વિકેટ ઝડપી
અશ્વિને વેસ્ટ ઈન્ડીઝ સામે પાંચમી વખત ટેસ્ટ ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે હરભજન સિંહની બરાબરી કરી લીધી હતી. હરભજન સિંહે પણ પોતાની કારકિર્દીમાં 5 વખત આવી સિદ્ધિ મેળવી છે. આ મામલે વેસ્ટ ઈન્ડીઝનો માલ્કમ માર્શલ ટોપ પર છે. તેમણે પોતાની કારકિર્દીમાં 6 વખત આવી સિદ્ધિ મેળવી છે.
વેસ્ટ ઈન્ડીઝમાં ત્રીજી વખત 5 વિકેટ ઝડપી
આ સિવાય અશ્વિન વેસ્ટ ઇન્ડીઝમાં એક ટેસ્ટ મેચમાં સંયુક્ત રુપે સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝમાં ત્રીજી વખત આવી સિદ્ધી મેળવી છે. અશ્વિન પહેલા ભારત તરફથી સુભાષ ગુપ્તે, અનિલ કુંબલે, હરભજન સિંહ, ઈશાંત શર્મા વેસ્ટ ઈન્ડીઝમાં ટેસ્ટ મેચમાં 3-3 વખત 5-5 વિકેટ લઈ ચૂક્યા છે.
અશ્વિને ડોમિનિકા ટેસ્ટમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં એવો સૌપ્રથમ ભારતીય બન્યો હતો કે, જેણે પિતા અને પુત્ર બંનેને આઉટ કર્યા છે. અશ્વિને શિવનારાયણ ચંદ્રપોલ અને તેમના પુત્ર તેગનારાયણ ચંદ્રપોલને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.





