IND vs WI : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની તાજેતરની પરિસ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 20 જુલાઈથી ક્વિન્સ પાર્કમાં રમાનારી બીજી ટેસ્ટ ઐતિહાસિક બની રહેશે. બંને ટીમો વચ્ચે આ 100મી ટેસ્ટ મેચ હશે. આ ખાસ પ્રસંગ પહેલા મીડિયા સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે ભારત-વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટનો ઈતિહાસ ઘણો જૂનો છે, કદાચ ત્યારે મારો જન્મ પણ થયો ન હતો ત્યારથી આ બંને ટીમો ક્રિકેટ રમી રહી છે.
વેસ્ટ ઇન્ડીઝની તાજેતરની પરિસ્થિતિ પર રોહિતનું નિવેદન
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની હાલની પરિસ્થિતિ વિશે વાત કરતા રોહિતે કહ્યું કે જુઓ ટીમની અંદર શું સમસ્યા છે, હું તે કહી શકતો નથી. એક ચાહક તરીકે જ્યાં સુધી મને ખબર નહીં પડે કે અંદર શું છે, ત્યાં સુધી હું કહી શકીશ નહીં કે વાસ્તવિક સમસ્યા શું છે. રોહિત શર્માએ કહ્યું કે મારી કારકિર્દીમાં હું જે પણ વિન્ડિઝના ખેલાડીઓ સાથે રમ્યો છું, તેમાં પ્રતિભા તો બધામાં જ હોય છે. પ્રથમ ટેસ્ટમાં પણ જો તેમની પાસે સ્પિનરો હોત તો તે અમારા માટે મુશ્કેલી સર્જી શકે તેમ હતુ.
આ પણ વાંચો – એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર, 15 દિવસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે 3 મેચ
નિવૃત્તિ પછી જાણવા માંગીશ અંદરની વાત : રોહિત શર્મા
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે જ્યારે પણ અમે વેસ્ટ ઈન્ડીઝ સામે રમીએ છીએ ત્યારે આ ટીમની અંદર શું થઈ રહ્યું છે તે વિચારીને રમતા નથી. અમે અહીંયા આવીએ છીએ કે અમે એક ટીમ તરીકે અમે અહીંથી શું-શું લઈ જઇ શકીએ છીએ. અહીં મેં જે 6-7 પ્રવાસ કર્યા છે તે બધા પણ મારું ધ્યાન એ વાત પર કેન્દ્રિત છે કે હું મારી ટીમ માટે શું લઈ જઈ શકુ છું અને જ્યાં સુધી હું રમી રહ્યો છું ત્યાં સુધી મારું ધ્યાન તેના પર રહેશે. પછી હું અંદરની વાત જાણવાનો પ્રયત્ન કરીશ.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 99 ટેસ્ટનો ઈતિહાસ
તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ઐતિહાસિક 100મી ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થશે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 99 ટેસ્ટ મેચમાંથી 30 વેસ્ટ ઈન્ડીઝે જીતી છે, જ્યારે 23 મેચમાં ભારતનો વિજય થયો છે. 46 મેચ ડ્રો રહી છે. હાલ ભારતે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી છે. ડોમિનિકા ટેસ્ટમાં ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીત મેળવી હતી.