India vs West Indies : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના નવા ચક્રમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટ શ્રેણી જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝમાં રમશે. બે વર્ષનું આ ચક્ર 2025માં પુરું થાય છે ત્યાં સુધીમાં રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનની ઉંમર 38 વર્ષની થઈ જશે. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે 37 વર્ષના થશે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા 36 વર્ષના અને મોહમ્મદ શમીની ઉંમર 34 વર્ષ થશે. હવે સવાલ એ છે કે આ ખેલાડીઓ કેટલો સમય રમશે અને ક્યાં સુધી ટીમ ઈન્ડિયા તેના વિકલ્પો શોધી શકશે.
ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા માટે સૌથી મહત્વનું સ્થાન નંબર-4 છે. જ્યાં રન મશીન વિરાટ કોહલી અત્યારે રમી રહ્યો છે. આ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આ સ્થાને રમતા હતા. તેંડુલકર બાદ કોહલીએ આ સ્થાન પર ટીમ ઇન્ડિયા માટે સારી બેટિંગ કરી હતી. કોહલી બાદ આ પોઝિશનમાં કોણ રમશે તે એક મોટો સવાલ છે. હાલ ટીમ પર નજર કરવામાં આવે તો શ્રેયસ ઐયર એક વિકલ્પ લાગે છે. આ ઉપરાંત ઓપનર શુભમન ગિલની બેટિંગ પોઝિશનમાં ફેરફાર થઈ શકે છે.
કોહલી 10 હજારના ક્લબમાં જોડાશે
કોહલી (8479 રન) ટૂંક સમયમાં જ ટેસ્ટ ક્રિકેટમાં વીવીએસ લક્ષ્મણ (8781)ને પાછળ છોડીને ભારત માટે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર પછી ભારત માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની જશે. કોહલીને ટોચના ત્રણમાં સ્થાન મેળવવા માટે 1521 રનની જરૂર છે. આમ કરવાથી તે 10 હજાર ટેસ્ટ રન બનાવનાર પ્લેયરો સાથે સામેલ થઇ જશે. તે આ ડબ્લ્યુટીસી ચક્ર દરમિયાન પ્રાપ્ત કરી શકે છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીની નેટવર્થ 1000 કરોડ રૂપિયાથી વધુ, એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે મળે છે 8.9 કરોડ રૂપિયા
2025 પછી કોહલી માટે શું છે પ્લાન?
હવે સવાલ એ છે કે વર્ષ 2025 બાદ કોહલી માટે ભારતીય ક્રિકેટનું શું આયોજન છે ? તેણે 2013માં તેંડુલકરના સ્થાને નંબર-4 પર સ્થાન મેળવ્યું હતું. આ પહેલા તેણે નંબર 5 પર ઘણા રન બનાવ્યા હતા અને બતાવ્યું હતું કે તે આ સ્થાન લેવા માટે તૈયાર છે. જોકે હવે સ્થિતિ અલગ છે. કોહલી પછી નંબર 5 પર કોઈ ખેલાડી નથી જે તેંડુલકર પાસે 10 વર્ષ પહેલા હતો.
શ્રેયસ ઐય્યરને ફિટનેસને લગતી સમસ્યાઓ છે
ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર શ્રેયસ ઐય્યર અને શુભમન ગિલને વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે શ્રેયસને ફિટનેસની સમસ્યા છે અને તેણે તાજેતરમાં જ પીઠની સર્જરી કરાવી હતી. ડિસેમ્બરમાં ભારત સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડશે ત્યાં સુધીમાં તે ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરી શકશે.
ટીમ મેનેજમેન્ટ ગિલને નંબર 4 પર ઉતારવા માટે ઉત્સુક
ટીમ મેનેજમેન્ટના કેટલાક લોકો ગિલને નંબર-4 પર રમાડવા માટે ઉત્સુક છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે 23 વર્ષનો આ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝની શ્રેણી દરમિયાન મિડલ ઓર્ડરમાં રમશે કે નહીં. જેના કારણે કોહલી સાથે વ્હાઈટ બોલના વર્કલોડને મર્યાદિત કરીને તે ટેસ્ટ કારકિર્દી લંબાવવા ઈચ્છે છે કે નહીં તે અંગે પણ વાતચીત શરુ થશે.