Yashasvi Jaiswal scores maiden Test century : ભારતના યુવા પ્લેયર યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં યશસ્વીએ 215 બોલમાં 11 ફોર સાથે સદી ફટકારી હતી. યશસ્વી ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 17મો પ્લેયર બન્યો છે. છેલ્લે ભારત તરફથી આવી સિદ્ધિ શ્રેયસ ઐયરે મેળવી હતી. ઐયરે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટમાં 105 રન બનાવ્યા હતા.
ભારતના વિના વિકેટે 224 રન
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રથમ દાવમાં 150 રનના જવાબમાં અંતિમ અહેવાલ મળ્યા ત્યારે ભારતે 1 વિકેટે 233 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 114 રને રમતમાં છે. જ્યારે રોહિત શર્મા 10 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવી કેચ આઉટ થયો.
અશ્વિનની 700 આંતરરાષ્ટ્રીય વિકેટ
રવિચંદ્રન અશ્વિને 24.3 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે ટેસ્ટ ઈનિંગ્સમાં 33મી વખત પાંચ વિકેટ ઝડપી હતી. તે અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20 સહિત) ઝડપનાર ત્રીજો ભારતીય બની ગયો છે. અશ્વિન પહેલા ભારત તરફથી અનિલ કુંબલે (956) અને હરભજન સિંહ (711) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જોકે આ સમયગાળામાં અશ્વિને હરભજન સિંહના એક રેકોર્ડની બરાબરી કરી હતી, સાથે અનિલ કુંબલે અને ઈશાંત શર્માની કલબમાં જોડાયો છે.
આ પણ વાંચો – વેસ્ટ ઇન્ડીઝમાં વિરાટ કોહલીના નિશાને આ ત્રણ મોટા રેકોર્ડ રહેશે, ઘણા દિગ્ગજોને પાછળ છોડવાની તક
વેસ્ટ ઈન્ડીઝમાં ત્રીજી વખત 5 વિકેટ ઝડપી
આ સિવાય અશ્વિન વેસ્ટ ઇન્ડીઝમાં એક ટેસ્ટ મેચમાં સંયુક્ત રુપે સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝમાં ત્રીજી વખત આવી સિદ્ધી મેળવી છે. અશ્વિન પહેલા ભારત તરફથી સુભાષ ગુપ્તે, અનિલ કુંબલે, હરભજન સિંહ, ઈશાંત શર્મા વેસ્ટ ઈન્ડીઝમાં ટેસ્ટ મેચમાં 3-3 વખત 5-5 વિકેટ લઈ ચૂક્યા છે.