Indian Cricket Team Jersey Launch : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલના પાંચ દિવસ પહેલા બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. બીસીસીઆઇએ ત્રણેય ફોર્મેટ વન ડે, ટી-20 અને ટેસ્ટ માટે નવી જર્સી લોન્ચ કરી છે. થોડા સમય પહેલા જ બીસીસીઆઇએ એડિડાસ સાથે એક કરાર કર્યો હતો, જે પછી ચાહકો નવી જર્સીની રાહ જોઈ રહ્યા હતા.
BCCIએ શેર કર્યો વીડિયો
બીસીસીઆઈએ વીડિયો શેર કરીને જર્સી લોન્ચ કરી હતી. વીડિયોમાં એક સ્ટેડિયમમાં જોવા મળી રહ્યું છે. જેમાં નીચે ત્રણ જર્સી મુકાયેલી જોવા મળે છે. એનિમેટેડ હેલિકોપ્ટર ત્રણ જર્સીને ઉપર ઉઠાવીને નવો લૂક્સ પ્રશંસકોને બતાવે છે. પ્રશંસકોની આ જર્સી પર મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકોને જર્સી ખૂબ જ પસંદ આવી હતી તો કેટલાકનું કહેવું છે કે જર્સી આકાશી વાદળી રંગની હોવી જોઇતી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2023 ખતમ, હવે ભારતીય ક્રિકેટ ટીમનો આવો છે વ્યસ્ત કાર્યક્રમ
પ્રશંસકોને પસંદ આવી ટેસ્ટની જર્સી
પ્રશંસકોને ટેસ્ટ જર્સી સૌથી વધુ પસંદ આવી છે. જર્સીના ખભા પર બે વાદળી પટ્ટા છે. છાતી પર ભારત લખેલું છે અને તેની ઉપર એક તરફ એડિડાસ અને બીજી તરફ બીસીસીઆઈનો લોગો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ જર્સીમાં દેખાશે. અગાઉ ખેલાડીઓ એડિડાસની ટ્રેનિંગ કિટમાં દેખાયા હતા, જે ચાહકોને પસંદ પડી હતી. એડિડાસ અને બીસીસીઆઈ વચ્ચે આગામી પાંચ વર્ષ માટે ડીલ ફાઈનલ થઈ છે. જે વર્ષ 2023થી શરૂ થઇને 2028 સુધી ચાલશે.
જર્સીને આકિબ જે એ ડિઝાઈન કરી
બીસીસીઆઈની આ પોસ્ટ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના ઓફિશિયલ એકાઉન્ટ ઉપરથી પણ પોસ્ટ કરવામાં આવી છે. લખનઉએ કોમેન્ટ કરતા કહ્યું કે ત્રણ પટ્ટાઓ એડ કરીને જર્સી ફાઇવ સ્ટાર જેવી લાગે છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સે લખ્યું કે અરે એકદમ ક્લાસ. આ જર્સીને દિલ્હીના આકિબ જે ડબ્લ્યૂએ ડિઝાઇન કરી છે. આકિબે રાજસ્થાન રોયલ્સની જર્સી પણ ડિઝાઇન કરી હતી.





