Team India’s upcoming matches and detailed schedule, dates : કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે અજેય રહીને ટી-20 એશિયા કપ 2025નું ટાઇટલ જીતી લીધું હતું. રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મી વખત એશિયા કપ ટાઈટલ જીત્યું હતું. ભારતની જીતનો હીરો તિલક વર્મા રહ્યો હતો.
એશિયા કપ બાદ હવે આ વર્ષના બાકીના મહિનાઓમાં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન ભારત લગભગ ત્રણ મહિનામાં 4 ટેસ્ટ, 6 વન-ડે અને 10 ટી-20 મેચ રમશે.
કઈ ટીમો સાથે ટકરાશે
એશિયા કપ બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં વિન્ડિઝ સામે ટકરાશે. આ બે ટેસ્ટની શ્રેણી બાદ ભારતીય ટીમ વ્હાઈટ બોલ સિરિઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે, જ્યાં તે ત્રણ વન ડે અને 5 ટી-20 મેચ રમશે. ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વન ડે અને પાંચ ટી-20ની શ્રેણી પણ રમશે.
આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે ભારતીય ટીમને સતત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. જ્યારે 2027ના વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટની નજર વન ડે ટીમને તૈયાર કરવા પર પણ રહેશે.
રોહિત-કોહલીના ચાહકોને સારા સમાચાર મળશે
આ દરમિયાન સૌથી મહત્વની બાબત એ છે કે આગામી ત્રણ મહિનામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકોને પણ સારા સમાચાર મળવાના છે. આ બંને લેજન્ડ્સ હવે ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લીધા બાદ માત્ર વન ડે ક્રિકેટ રમશે. આવી સ્થિતિમાં રોહિત અને કોહલીના ચાહકો તેમના મેદાન પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો – શું ચેમ્પિયનના બદલે અન્ય કોઇ રાખી શકે છે એશિયા કપ ટ્રોફી? જાણો શું કહે છે નિયમ
ચાલુ વર્ષે માર્ચમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ બાદ આ બંને ખેલાડીઓ ભારતીય જર્સીમાં રમતા જોવા મળ્યા નથી. જોકે રોહિત અને વિરાટ આઇપીએલમાં મેદાન પર ઉતર્યા હતા. હવે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં લાંબા અંતરાલ બાદ બંને ભારતીય જર્સીમાં જોવા મળી શકે છે.
આ વર્ષે ભારતીય ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝ
- પ્રથમ ટેસ્ટ: 2-6 ઓક્ટોબર, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
- બીજી ટેસ્ટ: 10-14 ઓક્ટોબર, દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ)
ભારતનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ
- પ્રથમ વન-ડે : 19 ઓક્ટોબર, પર્થ
- બીજી વન-ડે: 23 ઓક્ટોબર, એડિલેડ
- ત્રીજી વન-ડે: 25 ઓક્ટોબર, સિડની
- પ્રથમ ટી-20 : 29 ઓક્ટોબર, કેનબેરા
- બીજી ટી-20 : 31 ઓક્ટોબર, મેલબોર્ન
- ત્રીજી ટી-20: 2 નવેમ્બર, હોબાર્ટ
- ચોથી ટી-20: 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
- પાંચમી ટી-20 – 8 નવેમ્બર, બ્રિસ્બેન
દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે શ્રેણી
- પ્રથમ ટેસ્ટ: 14-18 નવેમ્બર, કોલકાતા
- બીજી ટેસ્ટ: 22-26 નવેમ્બર, ગુવાહાટી
- પ્રથમ વન-ડે: 30 નવેમ્બર, રાંચી
- બીજી વન-ડે : 3 ડિસેમ્બર, ન્યૂ રાયપુર
- ત્રીજી વનડે : 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ
- પ્રથમ ટી-20 : 9 ડિસેમ્બર, કટક
- બીજી ટી-20: 11 ડિસેમ્બર, ન્યૂ ચંદીગઢ
- ત્રીજી ટી-20 – 14 ડિસેમ્બર, ધર્મશાળા
- ચોથી ટી-20: 17 ડિસેમ્બર, લખનઉ
- પાંચમી ટી-20 : 19 ડિસેમ્બર, અમદાવાદ





